નવી દિલ્હીઃ હરિયાણાના તાવડુ સબડિવિઝનની સીમામાંથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસવે પર ભક્તોથી ભરેલી બસમાં આગ લાગી હતી. જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 10 લોકો ભૂંજાયા હતા જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બસમાં આગની ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિકોએ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યાં હતા. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું જાણવા મળે છે જેઓ મથુરા અને વૃંદાવનની મુલાકાત લઈને પરત ફરી રહ્યા હતા.
બસમાં મુસાફરી કરી રહેલા ભક્ત સરોજ પુંજ અને પૂનમે જણાવ્યું કે, ગયા શુક્રવારે તેઓ બસ ભાડે કરીને બનારસ અને મથુરા વૃંદાવન દર્શન માટે રવાના થયા હતા. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 60 લોકો સવાર હતા. તે બધા નજીકના સગા હતા જે પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા. રાત્રે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન મધ્યરાત્રિ બાદ બસમાં અચાનક આગ લાગતા લોકોમાં ભય ફેલાયો હતો.
મદદ માટે દોડી ગયેલા ગ્રામવાસીઓ સાબીર, નસીમ, સાજીદ, એહસાન વગેરેએ જણાવ્યું કે, રાત્રે લગભગ 1:30 વાગ્યે તેઓએ ચાલતી બસમાં આગ જોઈ હતી. તેમણે બૂમો પાડી ડ્રાઈવરને બસ રોકવા કહ્યું હતું પરંતુ તેને બસ ઉભી રાખી ન હતી. ત્યારબાદ એક મોટરસાઇકલ સવાર યુવકે બસનો પીછો કરીને ડ્રાઇવરને આગ અંગે જાણ કરી હતી.
ગ્રામજનોએ આગ ઓલવવાના તમામ પ્રયાસો કર્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં બસમાં સવાર લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાંથી આઠના મોત થયા હતા. તાવડુ સદર પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ મોકલ્યો હતા. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા.