દરેક વસ્તુનો એક સમય હોય છે, મોટુ પગલું પુરી તૈયારી સાથે ભરવાનું હોય’ POK પરત લેવા મુદ્દે જયશંકરનો જવાબ
‘ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું’ આ શબ્દો છે વિદેશ મંત્રી એસ.જયશંકરના.. એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે યુદ્ધ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય માટે યુદ્ધ અટકાવ્યું હતું. PM મોદીએ આ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે વાત કરી હતી.
વિદેશ મંત્રી જયશંકરે સમગ્ર ઘટના જણાવતા કહ્યું કે, મોદીજીએ રશિયા-યુક્રેન યુદ્ધને બે વાર અટકાવ્યું. 5 માર્ચ, 2022ના રોજ ખાર્કિવમાં અને 8 માર્ચે સુમીમાં. રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ સંઘર્ષ થવાનો હતો, પરંતુ ભારતે રશિયા-યુક્રેન સાથે વાત કરી અને આ હોનારત ટળી ગઈ. કંગના રનૌતે જે કહ્યું તે સાચું છે.
- શું કહ્યુ હતું કંગના રનૌતે ?
હિમાચલના મંડીથી BJP ઉમેદવાર કંગના રનૌતે તાજેતરમાં કહ્યું હતું કે, ત્રીજું વિશ્વ યુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે અટકી ગયું.. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી લઈને યુક્રેન સુધીના લોકો PM મોદીનું માર્ગદર્શન લે છે, જેના કારણે ત્રીજા વિશ્વ યુદ્ધને રોકવામાં મદદ મળી. .
- PoK ભારતનું છે અને અમે તેને પાછું લઈશું: જયશંકર
વિદેશ મંત્રીએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે, POK ભારતનું છે અને અમે તેને પરત લઈશું. જ્યારે તેમને આ સવાલ પૂછવામાં આવ્યો કે વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ PoK પાછું લઈ લેશે…તેઓ તેને કેમ પરત લઈ શકતા નથી, તમારી સરકારને સત્તામાં આવ્યાને 10 વર્ષ થઈ ગયા છે, શું કોઈ અડચણ છે? જેના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે જુઓ દરેક વસ્તુનો પોતાનો સમય હોય છે પોતાની તૈયારી હોય છે. તેમણે કહ્યું કે, જો તમારે તૈયારી વિના દુનિયામાં કોઈ પણ મોટું પગલું ભરવાનું હોય તો તમે સમજી શકો છો કે તેનો ખતરો શું હોઈ શકે છે.