રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન
રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યો છે.
- પરસ્પર વાતચીતનો વીડિયો
આ વીડિયોની શરૂઆતમાં રાહુલ ગાંધી સપા પ્રમુખ અખિલેશને કહેતા જોવા મળે છે કે ભાઈ, અહીં જાહેરસભા કરવી મુશ્કેલ છે. આના પર અખિલેશે કહ્યું હા બિલકુલ.. ત્યારે રાહુલ કહે છે કે મેં વિચાર્યું કે યુપી વિશે થોડી વાત કરવી જોઈએ. તેના પર અખિલેશે કહ્યું કે હા, મને લાગે છે કે જ્યારે માઈક બગડયું છે તો લોકો સોશિયલ મીડિયા દ્વારા આપણા વિચારો વધુ સારી રીતે શેર કરશે. તમે અને હું શું કહી રહ્યા છીએ તેની માહિતી પણ લોકોને મળશે.
- 80માંથી 79 બેઠકો જીતીશું
અખિલેશે કહ્યું કે યુપીની જે 80 સીટો છે તેમાંથી સપા અને કોંગ્રેસનું ગઠબંધન 79 સીટો જીતી રહ્યું છે. આ બેઠકોમાંથી એક ક્યૂટો બેઠક છે, જેમાં અમારી અને તેમની લડાઈ છે. વચ્ચે પડતાં રાહુલે કહ્યું, શું આ ક્યૂટો જાપાનનું છે? જવાબમાં અખિલેશે કહ્યું કે અમારા મુખ્ય સાંસદે કાશીની જનતાને સપનું બતાવ્યું હતું કે કાશી ક્યૂટો જેવું વિશ્વનું શ્રેષ્ઠ શહેર બનશે. ત્યાંના લોકો નક્કી કરશે કે કાશી ક્યૂટો બન્યુ છે કે નહીં અને પછી વોટ કરશે.
- બેરોજગારી મુદ્દે પ્રહાર
પરસ્પર વાતચીતમાં રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીએ યુપીને બેરોજગારીનું કેન્દ્ર બનાવી દીધું છે. અખિલેશે કહ્યું હા, અહીં ઘણી બેરોજગારી છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો પણ જોડાયા હતા. આ એવા લોકો છે જેમને નોકરી જોઈએ છે. આ દરમિયાન રાહુલે તેના કેમેરા મેનને ભીડ તરફ કેમેરો કરવા કહ્યું. અખિલેશે કહ્યું કે અમે સાથે મળીને બેરોજગારોને નોકરી આપવા માટે કામ કરીશું.
- ખટાખટ V/S રટારટ
વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને હળવી શૈલીમાં અખિલેશે કહ્યું કે તમારા ખટાખટ બોલ્યા પછી મોદીજી સતત રટારટ બોલે છે. આ દરમિયાન રાહુલે કહ્યું કે જરા તમારા પિતા મુલાયમ સિંહ વિશે જણાવો. અખિલેશે કહ્યું કે નેતાજી અને તેમની સાથેના લોકો પાયાની રાજનીતિ કરતા રહ્યા. તે જમીનના લોકોના વિચારોને સમજતા હોવાથી તેમને માટીના પુત્ર કહેવામાં આવતા હતા
આ દરમિયાન અખિલેશે રાહુલને કહ્યું કે તમને આ વિસ્તાર અને આ શહેર સાથે કંઇ આજનો લગાવ નથી, ખબર નથી એ કેટલો જૂનો છે. તમારા પરિવાર જેટલું લાગણીશીલ જોડાણ અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે નથી. એ જ રીતે બંને વિવિધ મુદ્દાઓ પર વાત કરતા રહ્યા. રાહુલે અખિલેશને પૂછ્યું કે નરેન્દ્ર મોદીજી ચર્ચાથી કેમ ડરે છે? તેના પર અખિલેશે કહ્યું કે તેઓ સત્યનો સામનો કરવા માંગતા નથી. અંતે બંનેએ હાથ મિલાવ્યા અને કહ્યું કે આ એક અનોખી મુલાકાત હતી. આ પછી બંનેએ હાથ ઊંચા કરીને ભીડનું અભિવાદન કર્યું.