લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 60 ટકા જેટલુ મતદાન
નવી દિલ્હીઃ પાંચમા તબક્કાની 49 લોકસભા અને ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું.સાંજે 5 વાગ્યા સુધીના આંકડામાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન નોંધાયું. સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયુ છે.
લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56.68 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73 ટકા અને સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં 48.66 ટકા નોંધાયું હતું. તો બિહારમાં 52.35 ટકા, જમ્મુ કાશ્મીરમાં 54.21 ટકા, ઝારખંડમાં 61.90 , લદ્દાખમાં 67.15 , ઓડિશામાં 60.55 , ટકા મતદાન નોંધાયું છે. તો ઉત્તર પ્રદેશમાં 55.80 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 બેઠક ઉપર મતદાન થયું હતું.
આજે પાંચમા તબક્કાની ચૂંટણીમાં રાજનાથ સિંહ, પીયુષ ગોયલ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, નવીન પટનાયક, સાધ્વી નિરંજન જયોતિ, ઉજ્જવલ નિકમ તેમજ ઓમર અબદુલ્લા અને સજ્જાદ ગની લોન સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં કેદ થયું છે. ઉપરાંત આ તબક્કામાં ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, લાલુ પ્રસાદની દીકરી રોહિણી આચાર્ય પણ મેદાનમાં હતા. આ તબક્કામાં બિહારની સારણ લોકસભા સીટ ઘણી ચર્ચામાં રહી છે કેમ કે ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી ઉમેદવાર અને લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્ય વચ્ચે કાંટાની ટક્કર હતી.. તો રાયબરેલી બેઠક પરથી રાહુલ ગાંધી અને ભાજપના દિનેશ પ્રતાપ સિંહ અને અમેઠીમાંથી સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસના કિશોરીલાલ વચ્ચે મજબૂત મુકાબલાને પગલે અહીં ચૂંટણીજંગ રોચક બની ગયો હતો. મુંબઇમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતા પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર, ભારતી પવાર ડિંડોરી અને કપિલ પાટીલ ભિવંડી, શિવસેનાના શ્રીકાંત શિંદે કલ્યાણ તથા , મુંબઈ કોંગ્રેસના વડા વર્ષા ગાયકવાડના રાજકીય ભવિષ્ય પણ આ તબક્કામાં EVM માં કેદ થયા હતા.