ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ લેવાના બનાવો વધી રહ્યા છે. રોજબરોજ લાંચના કેસો પકડાઈ રહ્યા છે. જેમાં વધુ એક કેસ ગાંધીનગરમાં પકડાયો છે. ગાંધીનગર સેકટર – 11 એમ એસ બિલ્ડીંગ ખાતે આવેલી જિલ્લા તિજોરી કચેરીનો પટાવાળો કર્મચારીઓના પગાર, કન્ટીજન તેમજ ઉચ્ચતર એરિયર્સ બીલો પાસ કરાવવાની અવેજીમાં લાંચ લેતો હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હતી. જેનાં પગલે ગાંધીનગર એસીબીની ટીમે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાંચનાં છટકાની ટ્રેપ ગોઠવી જિલ્લા તિજોરી કચેરીના પટાવાળાને 5 હજાર લેખે ચાર બીલો પાસ કરાવવાની અવેજીમાં 20 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
એસીબી કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર એમ એસ બિલ્ડિંગ ખાતે સ્થિત જિલ્લા તિજોરી કચેરીમાં કર્મચારીઓનાં પગાર બીલો, કન્ટીજન બીલો, ઉચ્ચત્તર એરીયસ બીલો, ફીક્સ ટુ ફુલ પે વિગેરે પ્રકારના બીલો પાસ કરવાની અવેજીમાં લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી હતી. દરમિયાન ગાંધીનગર એકમ એસીબીના મદદનીશ નિયામક આશુતોષ પરમારનાં સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર એચ પી પરમારે પોતાની ટીમ સાથે જિલ્લા તિજોરી કચેરીમાં ચાલતાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવતા કચેરીનો પટાવાળો ઐયુબ સુબામીયાં ઝાલોરી દ્વારા વિવિધ બીલો પાસ કરાવવા માટે એક બીલના રૂ. 3 હજારથી રૂ. 5 હજારની લાંચની માંગણી કરવામાં આવતી હોવાની જાણ થઈ હતી. જેનાં પગલે એસીબીએ ડિકોયરનો સહકાર મેળવીને લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. બાદમાં નક્કી થયા મુજબ એસીબીની ટીમ જિલ્લા તિજોરી કચેરી ખાતે ગોઠવાઈ ગઈ હતી. જો કે પટાવાળા ઐયુબ ઝાલોરીએ ડિકોયરને જિલ્લા તિજોરી કચેરીની જગ્યાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે રજવાડી ટી સ્ટોલની સામે આવેલા જાહેર રોડ ઉપર બોલાવ્યો હતો. ત્યારે એસીબીની ટીમ સિવિલ હોસ્પિટલ વોચ રાખીને ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન પટાવાળા ઐયુબ ઝાલોરીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ફિક્સ ટુ ફુલ પે બીલ મંજુર કરવાના એક બીલના 5 હજાર લેખે ચાર બિલ પાસ કરાવી આપવાની અવેજીમાં 20 હજારની લાંચ સ્વીકારી હતી. એજ વખતે એસીબીની ટીમે પટાવાળા ઐયુબ ઝાલોરીને આબાદ રીતે પકડી લીધો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જિલ્લા તિજોરી કચેરીમાં વિવિધ બીલો પાસ કરાવવાની અવેજીમાં એકલો પટાવાળો જ લાંચ લેતો હોવાની વાત એસીબીના ગળે પણ ઉતરી રહી નથી. જેનાં પગલે તિજોરી કચેરીમાં નિવૃતિ પછી પણ કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી કરતા કલાસ – 2 અધિકારી સહિતના કર્મચારીઓ એસીબીના રડારમાં આવી ગયા છે. આગામી દિવસોમાં પટાવાળાના તાર કયા કયા અધિકારી – કર્મચારી સાથે જોડાયેલા છે તેની પણ એસીબી દ્વારા ઊંડાણથી તપાસ કરવામાં આવશે.