ભાવનગરઃ શહેરના બોર તળાવમાં કપડા ધોવા અને નાહવા માટે ગયેલી ચાર કિશોરીઓ સાથે એક બાળકી પણ ગઈ હતી. તળાવને કાંઠે કપડા કિશોરીઓ કપડા ધાઈ રહી હતી ત્યારે સાથે આવેલી બાળકી તળાવમાં પડતાં ડુબવા લાગી હતી. આથી તેણીને બચાવવા માટે કિશોરીઓ એક પછી એક તળાવમાં કૂદી પડી હતી. અને તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. તેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને તરવૈયાની મદદથી બાળકી સહિત પાંચ કિશોરીઓને બહાર કાઢી હતી. અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે એક બાળકી અને ત્રણ કિશોરીને મૃત જાહેર કરી હતી. જ્યારે એક કિશોરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ગરમી વધતા ઠંડક મેળવવા માટે ઘણા લોકો નદી તળાવ કે દરિયા કાંઠે નાહવા માટે જતા હોય છે. તેના લીધે ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. એક અઠવાડિયામાં રાજ્યમાં પાણીથી ડુબી જવાની ત્રણ મોટી ઘટના બની છે. નવસારીના દાંડી બીચ પર પાણીમાં ડૂબી જવાથી ચારના મોત નિપજ્યા હતા. તો તેના બે દિવસ બાદ પોઈચા ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી 6 લોકોના મોત નિપજ્યા હતા, જેમાં એક વ્યક્તિ હજી લાપતા છે. જ્યારે આજે ભાવનગરમાં તળાવમાં ડુબી જતા એક બાળકી સહિત ચાર કિશોરીઓના મોત નિપજ્યા હતા. આમ, ગુજરાતમાં એક જ અઠવાડિયામાં ડુબી જવાથી બનેલી ત્રણ મોટી ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા છે.
ભાવનગરમાં બોર તળાવમાં ડૂબી જવાની ઘટનાની વિગતો એવી છે. કે, બોર તળાવમાં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી ચાર કિશોરીઓ કપડાં ધોવા માટે ગઈ હતી.તેની સાથે એક બાળકી પણ હતી. તળાવના કાંઠે નહાતી બાળકી પાણીમાં ડૂબવા લાગતા તેની સાથે રહેતી અન્ય કિશોરીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી. જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ પર ચારને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
ભાવનગર મ્યુનિના ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોન પર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતા ચારનાં મોત થયાં છે જ્યારે એકનો જીવ બચી ગયો છે.