નવી દિલ્હીઃ નવુ ભારત તમારા ઘરમાં ઘુસે છે અને તમને મારે છે. આ કોઈ ફિલ્મી ડાયલોગ નથી પરંતુ પાકિસ્તાનના રાજદૂતએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું, તાજેતરમાં જ મહાસભાને સંબોધિત કરતા પાકિસ્તાનના સ્થાયી રાજદૂત મુનીર અકરમે જણાવ્યું હતું કે, નવુ ભારત ખતરનાક છે અને ભારતનું આ અભિયાન માત્ર પાકિસ્તાન જ પુરતુ મર્યાદીત રહ્યું નથી પરંતુ કેનેડા અને અમેરિકા સુધી ફેલાયું છે.
અમેરિકામાં જાણીતા અખબારે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેલીના સંબોધનને સ્થાન આપ્યું હતું. જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતનું દુશ્મન પાકિસ્તાન પણ હવે જાણી ગયું છે કે, આ નવુ ભારત આપના ઘરમાં આવે છે અને આપને મારે છે. આ રિપોર્ટનો ઉલ્લેખ કરતા અકરમે કહ્યું હતું કે, આ સુરક્ષા નહીં પરંતુ અસુરક્ષા પ્રદાતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ સુરક્ષા પરિષદની સાથે મહાસચિવ અને મહાસભામાં પાકિસ્તાનમાં લક્ષિત હત્યાઓ અંગે ભારતીય અભિયાન મામલે સુચિત કર્યા હતા. જો કે, ભારત અવાર-નવાર આવા આરોપોને ફગાવતું આવ્યું છે.
અગાઉ, બ્રિટિશ મુખ્ય અખબાર ધ ગાર્ડિયને દાવો કર્યો હતો કે ભારત સરકારના આદેશ પર પાકિસ્તાનમાં આતંકવાદીઓને ઠેકાણે પાડવામાં આવી રહ્યા છે. ભારતીય અને પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોને ટાંકીને અખબારે કહ્યું હતું કે, આ હત્યાઓ વિદેશી ધરતી પર હાજર આતંકવાદીઓને ખતમ કરવાની ભારતની વ્યાપક રણનીતિનો એક ભાગ છે. એવો દાવો કરવામાં આવે છે કે, 2020 પછી પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 20 આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતની ગુપ્તચર એજન્સી RAW એ રાષ્ટ્રીય સુરક્ષા માટે સાહસિક પગલામાં 2019 પછી વિદેશમાં કામગીરી શરૂ કરી હોવાનું કહેવાય છે.