નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યાર સુધી ચારધામ યાત્રા માટે નોંધણીનો આંકડો 31 લાખને પાર કરી ગયો છે.
ચારધામ ખાતે ભારે ભીડને જોતા સરકારે નોંધણીના કડક નિયમનો અમલ શરૂ કર્યું છે. આ સંદર્ભમાં, મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એક એડવાઇઝરી મોકલી હતી. જેમાં તેમણે સ્પષ્ટતા કરી છે કે, જો કોઈ પણ રાજ્યના તીર્થયાત્રીઓ નોંધણી વગર આવશે તો તેમને ચેકિંગ બાદ અટકાવવામાં આવશે. આવા યાત્રાળુઓને પરત કરવામાં આવશે.
તેમણે એવો પણ અનુરોધ કર્યો છે કે જે કોઈ ચારધામ યાત્રા પર આવવા માંગે છે, તેમણે રજીસ્ટ્રેશનમાં આપેલી તારીખે જ આવવું જોઈએ. તેનાથી રાજ્ય સરકાર માટે ચારધામ યાત્રાનું સંચાલન સરળ બનશે. તેમણે તમામ ટૂર ઓપરેટરો અને ટ્રાવેલ એજન્ટોને પણ કહ્યું છે કે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા રજીસ્ટ્રેશન તપાસે. જેથી તેઓને પાછળથી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તેમણે રાજ્યોને વિનંતી કરી છે કે તેઓ આ અંગે તમામ શ્રદ્ધાળુઓને જાગૃત કરે.
ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જેને લઈને ઉભી થયેલી અવ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કેટલાક મહત્વાના પગલા ઉઠાવવામાં આવ્યાં છે.