અમદાવાદઃ ગુજરાતમાં અંગારા ઓકતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સતત ચોથા દિવસે આકરી ગરમીનો માર યથાવત રહ્યો હતો. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સહિત શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને વટાવી જતાં જનજીવન પર માઠી અસર પડી છે. અને હીટસ્ટ્રોકને કારણે 10 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 2, આણંદમાં 6, માંડવી તથા સુરતમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સુરતમાં અન્ય ચાર લોકોના મોત હીટસ્ટ્રોકથી થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને ઓરેન્જ અને રેડ એલર્ટની સ્થિતિમાં સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવા માગણી કરી છે.
ગુજરાતમાં સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અંગારા ઓકતી ગરમી વરસી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાતા લોકો ત્રાંહીમામ પોકારી ગયા છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ અપાયુ છે. હજુ પણ ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી છે. 3 દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાત્રે પણ ગરમ પવનના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હિંમતનગર અને કંડલામાં પણ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કાળઝાળ ગરમીમાં શ્રમિકોની ચિંતા કરીને ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે, ધોમધખતી ગરમી અને હીટવેવના કારણે બપોરના એકથી સાંજના ચાર કલાક દરમિયાન બાંધકામ તેમજ કોન્ટ્રાક્ટરોએ રાખેલા શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવી પડશે. જો કોઈ કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ઈન્કાર કરે તો ખુદ શ્રમિક ફરિયાદ કરી શકશે. હવેથી ગરમીના સમયમાં મજૂરો, શ્રમિકો, કામદારોને બપોરના 4 કલાક કામમાંથી મુક્તિ આપવી પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.