દ્વારકાનો સમુદ્ર તોફાની બનશે, શિવરાજપુર બીચ પર પ્રતિબંધ, માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
દ્વારકાઃ દેશમાં આંદામાન-નિકોબાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. જેના લીધે ગુજરાત-સૌરાષ્ટ્રના સમુદ્રમાં જુન મહિનાથી કરંટ જોવા મળશે. આથી દેવભૂમિ દ્વારકાની નજીક આવેલા વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ પર આગામી 4 જૂન થી 2 ઓગસ્ટ સુધી સ્વિમિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચોમાસાની સીઝન દરમિયાન સમુદ્રમાં કરંટ રહેતો હોવાથી અને ઊંચા મોજા ઉછળતા હોય સલામતીના ભાગ રૂપે તંત્રએ આ નિર્ણય લીધો છે. શિવરાજપુર બીચ પરની સ્કુબા સહિતની તમામ વોટર સ્પોર્ટ્સ એકટીવીટી પણ 4 જૂન થી 2 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લા અધિક કલેકટરએ જાહેરનામુ બહાર પાડી 4 જૂન થી 2 ઓગસ્ટ સુધી સ્વીમિંગ સહિત વોટર સ્પોર્ટસ એક્ટિવિટી પર રોક લગાવી છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા બંદરોએથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે, સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ કે હવામાન અંગેની અન્ય આગાહીઓ સબંધે સમુદ્રમાં રહેલા માછીમારોને ચેતવણી પહોચાડવી શક્ય હોતી નથી તેમજ જુન માસથી દરીયો તોફાની થઇ જાય છે. માછીમારોને સામાન્ય રીતે જૂન માસથી સમુદ્રમાં માછીમારી માટે જવું વિશેષ જોખમકારક છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસર દ્વારા આવા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી, તેમ છતાં, અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવી સંભાવના રહેતી હોય તેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાં કોઇપણ માછીમારોએ કે અન્ય કોઇ વ્યક્તિઓએ તા. 1 જૂન થી તા. 31 જુલાઈના સમય દરમિયાન માછીમારી માટે કે અન્ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં નહી જવા અને કોઇપણ બોટની અવર-જવર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ જાહેરનામું પોર્ટ ઉપર આવતા વ્યાપારીક જહાજોને લશ્કરી દળો, અર્ધ લશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ, અજાડ ટાપુ તથા ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે અવર-જવર માટે સક્ષમ અધિકારી દ્વારા અધિકૃત કરેલી પેસેન્જર બોટ, નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ (લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.