વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદમાં 55 આગાહીકારોનું મંતવ્ય, આ વર્ષે ચોમાસુ 16 આની રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે. પણ ચોમાસુ કેવુ રહેશે તે માટે અટકળો ચાલી રહી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ ભવન ખાતે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા વરસાદનાં વરતારાને લઈને પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં સમગ્ર રાજ્યમાંથી 55 જેટલા આગાહીકારો દ્વારા જુદી-જુદી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિના આધારે પૂર્વાનુમાન કરેલા તારણ જોતા આગામી ચોમાસું 16 આની અને લાંબુ રહેવાની શક્યતા છે. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ જણાવ્યું કે, આજે 55 જેટલા આગાહીકારો એકત્ર થયા હતા. તેઓના મતે ગુજરાતમાં સામાન્ય રીતે જુનના બીજા વીકમાં ચોમાસું બેસી જશે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળે છે. જેમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે ગુજરાતભરમાંથી આવેલા 60 જેટલા આગાહીકારોએ વર્ષ 2024 ના વરસાદ માટે આગાહી કરી હતી. જેમાં આ વર્ષે 16 આની જેટલો વરસાદ (Rain) થાય તેવો વર્તારો આગાહીકારો દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, ચોમાસું સારું જશે. રાજ્યમાં બે તબક્કામાં વાવણી થશે અને જુનના અંત સુધીમાં વાવણી પૂર્ણ થશે. આવનારૂં વર્ષ 12 આનીથી 14 આની રહેવાની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે 54થી 55 દિવસો વરસાદના દિવસો રહેશે. જુનના બીજા અઠવાડિયાથી વરસાદ શરુ થશે અને તા. 20 ઓકટોબર સુધીમાં ચોમાસું પૂર્ણ થવાની શક્યતાઓ છે. અતિવૃષ્ટિ તેમજ વરસાદની ખેંચને લઈને આગાહીકારોનો એક મત થયેલ નથી. જેથી સામાન્ય રીતે ચોમાસું એકદંરે સારું રહેશે અને 55 દિવસો ચોમાસાના રહેશે. એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર છે.
આગાહીકારો જુદી-જુદી 13 જેટલી પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિના આધારે તારણ કાઢતાં હોય છે. જેમાં ભડલી વાક્યો, જ્યોતિષ વિદ્યા, ખગોળ વિદ્યા, લોક વાયકા, વનસ્પતિના લક્ષણો, પશુ-પક્ષીના ચેષ્ટા, સેટેલાઈટ ચિન્હો, આકાશમાં કસની તારીખો, જન્મભૂમિના પંચાગના માઘ્યમ, શિયાળામાં બંધાયેલ ગર્ભ, શિયાળા-ઉનાળાનું તાપમાન, અખાત્રીજના દિવસે પવનની દિશા અને હોળીની જાળના આધારે પૂર્વાનુમાન કરીને તારણ કાઢવામાં આવે છે.
આ વર્ષનું ચોમાસુ ખેડૂતોના લાભનું ચોમાસુ રહેશે. ખાસ કરીને લાલ વસ્તુઓનું ઉત્પાદન વધશે. એટલેકે, મગફળીનું વાવેતર ખેડૂતોને લાભકારક રહેશે. 15 જૂનથી વાવણીલાયક વરસાદ શરૂ થઇ જશે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે. કુલ 55 થી 60 ઇંચ વરસાદ થઇ શકે છે. આ વખતે તીડનું આક્રમણ પણ થાય એવી પણ શક્યતા છે. આકાશમાં વીંછીડા (તારા) ગતવર્ષે 16 હતા જે આ વર્ષે 26 હોવાથી આકરી ગરમી પડી રહી છે. જે હજુ 3 દિવસ પડશે.