આર્થિક અસમાનતા દુર કરવા માટે વેલ્થ ટેક્સની ભલામણ કરતો રિપોર્ટ, 10 કરોડથી વધુ સંપતિ હોવા પર 2 ટકા ટેક્સની ભલામણ
દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે વેલ્થ ટેક્સની માંગ ફરી એકવાર જોર પકડી રહી છે. આર્થિક અસમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેના વધતા જતા અંતરને જોતા ઘણા સમયથી અમીર લોકો પર અલગથી ટેક્સ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે એક સંશોધને ભારતમાં અમીર લોકો પર વેલ્થ ટેક્સ લાદવાની હિમાયત કરીને ચર્ચાને ફરી તેજ બનાવી છે.
પ્રખ્યાત અર્થશાસ્ત્રી થોમસ પિકેટીએ પણ ‘ભારતમાં ભારે અસમાનતા દૂર કરવા માટે સંપત્તિ કર પેકેજની દરખાસ્ત’ નામનો આ સંશોધન અહેવાલ તૈયાર કરવામાં ફાળો આપ્યો છે. રિસર્ચ પેપરમાં અમીર લોકો પર 2 ટકાના દરે વેલ્થ ટેક્સ લાદવાની ભલામણ કરવામાં આવી છે. આ સાથે રિસર્ચમાં 33 ટકા વારસાગત ટેક્સની પણ હિમાયત કરવામાં આવી છે.
10 કરોડથી વધુ સંપતિ હોવા પર 2 ટકા ટેક્સની રિપોર્ટમાં ભલામણ
સંપત્તિ 10 કરોડથી વધુ હોય તેવા કિસ્સામાં શ્રીમંત લોકો પર ટેક્સ લાદવાની આ હિમાયત કરવામાં આવી છે. રિસર્ચ મુજબ જે લોકોની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયાથી વધુ છે તેમના પર 2 ટકા વેલ્થ ટેક્સ અને 33 ટકા વારસા ટેક્સ લગાવવાની જરૂર છે. આનાથી આર્થિક અસમાનતા દૂર કરવામાં મદદ મળી શકે છે. તેમજ અર્થવ્યવસ્થાને મોટો ફાયદો મળી શકે છે. આના કારણે સરકાર કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપીના 2.73 ટકા જેટલી જંગી આવક મેળવી શકે છે.
અમીરો પર ટેક્સ લાદવાની ભલામણ કરતો અહેવાલ પ્રકાશિત
અમીરો પર ટેક્સ લાદવાની ભલામણ કરતો આ સંશોધન અહેવાલ એવા સમયે પ્રકાશિત કરવામાં આવ્યો છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી પ્રક્રિયા મુજબ આજે શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ પછી સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. ત્યાર બાદ 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે.
99.96 ટકા લોકોને અસર નહીં થાય
રિસર્ચ પેપરમાં અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો ભારતમાં 10 કરોડ રૂપિયાથી વધુની નેટ સંપત્તિ ધરાવતા લોકો પર પ્રસ્તાવિત ટેક્સ લાદવામાં આવશે તો તેની અસર બહુ ઓછા લોકોને થશે. રિપોર્ટ અનુસાર, 99.96 ટકા પુખ્ત લોકો પ્રસ્તાવિત બંને ટેક્સથી પ્રભાવિત થશે નહીં, કારણ કે 10 કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ ધરાવતા લોકોની ટકાવારી ઘણી ઓછી છે.
આર્થિક અસમાનતા ઘણી વધી ગઈ છે
વાસ્તવમાં, ભારતમાં આર્થિક અસમાનતા અંગે ઘણા અહેવાલો અને સંશોધનોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રિસર્ચમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 2014-15થી 2022-23 દરમિયાન દેશમાં આર્થિક અસમાનતા ઝડપથી વધી છે અને અમીર લોકો પાસે સંપત્તિ ભેગી થતી રહી છે. 2022-23 સુધીમાં, દેશના સૌથી ધનાઢ્ય લોકોમાંથી માત્ર 1 ટકા લોકો પાસે કુલ સંપત્તિના 40 ટકાથી વધુ હિસ્સો હતો. આ સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, અમેરિકા સહિતના ઘણા દેશો કરતાં ઘણો વધારે છે.