BSE સેન્સેક્સ 200 પોઈન્ટ ઉછળીને નવી ઊંચાઈએ પહોંચ્યો
મુંબઈઃ સપ્તાહની શરૂઆતમાં જ આજે શેરબજારમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો, BSE સેન્સેક્સ 200 પોઈન્ટના ઊછાળા સાથે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. તો નિફ્ટી પણ 50 પોઈન્ટ જેટલા ઉછાળા સાથે 23 હજારને પાર વેપાર કરી રહ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે જ માર્કેટ ગ્રીન જોનમાં જોવા મળતાં શેરધારકોમાં આનંદ પ્રસરી ગયો હતો.
હાલ સેન્સેક્સ 75 હજાર 500થી વધુ અને નિફ્ટ 23 હજારથી વધુની સપાટીએ વેપાર કરી રહ્યા છે. ઓટોમોબાઈલ્સ, IT, ફાર્મ સહિતના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, તો આંતરરાષ્ટ્રીય લેવલે ડૉલર સામે રૂપિયો થોડો મજબૂત થયો છે. ડૉલર સામે રૂપિયો 0.2 ટકા વધીને 83.97 થયો છે. જે 19 માર્ચ પછીનું સૌથી મજબૂત સ્તર છે. તો નિફ્ટી મિડકેપ 52 હજાર 811.65ની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ લગભગ 1 ટકા વધીને 17 હજાર 49.50ના સ્તરે પહોંચ્યો છે
એલઆઈસી, એનએમડીસી, નેશનલ એલ્યુમિનિયમ કંપની, ડીશ ટીવી ઈન્ડિયા, વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા, ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ અને નેટકો ફાર્મા સહિતની કેટલીક કંપનીઓ આજે તેમના ચોથા ક્વાર્ટરની નફાની જાહેરાત કરે એવી શક્યતા છે