લોકસભા ચૂંટણીના પરિણામ પૂર્વે ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ, લાલ નિશાન સાથે બંધ રહ્યું
મુંબઈઃ સ્થાનિક શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે લાલ નિશાનમાં બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 667.55 (0.88%) પોઈન્ટ ઘટીને 74,502.90 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 183.46 (0.80%) પોઈન્ટના ઘટાડા સાથે 22750 ના સ્તરથી સરકીને 22,704.70 ના સ્તર પર બંધ રહ્યો હતો. દરમિયાન ટેક મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે સતત ચોથા દિવસે નુકસાન સાથે બંધ થયા હતા. દરમિયાન બજારમાં નાણાકીય અને આઈટી ક્ષેત્રના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી સ્થાનિક સ્તરે પણ બજાર નબળું પડ્યું હતું. માત્ર ICICI બેંક અને HDFC બેંકના કારણે સેન્સેક્સ 300 પોઈન્ટ નબળો પડ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક, એલએન્ડટી અને ટીસીએસના શેરોએ પણ ઇન્ડેક્સ નબળો પાડ્યો હતો.
બુધવારના ટ્રેડિંગ સેશન પછી, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 1.83 લાખ કરોડ ઘટીને રૂ. 415.09 લાખ કરોડ થયું હતું. સેક્ટર મુજબ, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં 1.65%નો ઘટાડો થયો હતો. તેમજ, નિફ્ટી આઈટી, પ્રાઈવેટ બેંક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર એક ટકાથી વધુ તૂટ્યા હતા. બીજી તરફ, નિફ્ટી મીડિયા, મેટલ અને હેલ્થકેર સેક્ટરના શેર્સ ઉછાળા સાથે બંધ થયા હતા. વ્યાપક બજારમાં નિફ્ટી મિડકેપ100 0.32% નબળો પડ્યો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ100 0.06% મજબૂત થયો હતો.
વ્યક્તિગત શેરો વિશે વાત કરીએ તો, Paytm (One97 Communication)ના શેર બુધવારે 5%ના અપર સર્કિટ પર પહોંચ્યા હતા. અદાણી ગ્રુપ દ્વારા ફિનટેક કંપનીમાં હિસ્સો ખરીદવાના સમાચાર બાદ કંપનીના શેરમાં આ ઉછાળો આવ્યો છે. જોકે, Paytm એ એક નિવેદન જારી કરીને આ સમાચારોને માત્ર અટકળો ગણાવ્યા છે.