અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને શહેરની પરિક્રમાએ નીકળે છે. રથયાત્રાને હવે સવા મહિના જેટલો સમય બાકી છે ત્યારે રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રાના માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રથયાત્રાના રૂટ પરના ભયજનક મકાનોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત રથયાત્રા યોજાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોવાથી પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. શહેર પોલીસ દ્વારા એક મહિના અગાઉથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવે છે. આ વખતની રથયાત્રાને લઇને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે સંવેદનશીલ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સીસીટીવી પબ્લિક સેફ્ટી પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી લગાવવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે. રથયાત્રાના રૂટમાં આવતા 8 વિસ્તારોમાં સીસીટીવી પ્રોજેક્ટ શરૂ કર્યો. રથયાત્રાના રૂટ પર આવેલી તમામ ખાનગી મિલકત એટલે કે દુકાનો, પોળ અને સોસાયટીની બહાર સીસીટીવી કેમેરા લગાવવાનું કહેવામાં આવી રહ્યું છે. આ લગાડેલા તમામ કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી રાખવામાં આવે તેવા પણ આદેશ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીસીટીવી કેમેરા લગાડવા માટેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂટ પર તમામ રહીશો અને દુકાન માલિકો સાથે મિટિંગ યોજવામાં આવી હતી. દરેક વેપારીએ નાઇટ વિઝન અને સારી કવોલિટીના સીસીટીવી લગાડવાના રહેશે. આ પ્રોજેક્ટ હેઠળ સંવેદનશીલ વિસ્તારમાં 1500 સીસીટીવી કાયમી ધોરણે લગાડેલા રાખવામાં આવશે. અત્યાર સુધીમાં કોટ વિસ્તારમાં 348 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અગાઉ રથયાત્રાના રૂટ પર 177 સીસીટીવી કેમેરા લાગેલા હતા. જેમાં 61 કંટ્રોલ કેમેરા અને 166 ખાનગી કેમેરા છે. અત્યારે રથયાત્રાના રૂટ પર કાર્યરત 525 સીસીટીવી કેમેરા લાગેલા છે. અત્યાર સુધીમાં 1500 વધુ દુકાનો ચેક કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર અસામાજિક તત્વો પર નજર રખવા અને જો કોઈ બનાવ બનવા પામે તો તાત્કાલિક અસામાજિક તત્વોને પકડી શકાય એ માટેથી તૈયાર શરુ કરવામાં આવી છે.