લોકસભા ચૂંટણી : PMએ કર્યા 200થી વધુ કાર્યક્રમો, આપ્યા 80 ઈન્ટરવ્યું
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થશે. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં સામાન્ય ચૂંટણીના છેલ્લા તબક્કા માટે પોતાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યો. જો આપણે ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો, ભાજપ તેના ત્રીજા કાર્યકાળ તરફ જઈ રહ્યું છે અને પીએમ મોદીએ દેશભરમાં તેમની પાર્ટી માટે વ્યાપક પ્રચાર કર્યો છે.
લોકસભા ચૂંટણી પ્રચારને સમાપ્ત કર્યા પછી PM મોદી 30મે થી 1 જૂન સુધી તમિલનાડુના કન્યાકુમારીમાં રહેશે, પીએમ મોદી કન્યાકુમારીમાં જઈને રાષ્ટ્રીય એકતાનો સંકેત આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારના અંતે આધ્યાત્મિક યાત્રા કરવા માટે જાણીતા છે. 2019માં તેમણે કેદારનાથ અને 2014માં શિવાજીના પ્રતાપગઢની મુલાકાત લીધી હતી.
આ વર્ષે 16 માર્ચે કન્યાકુમારીમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. 2024માં થનારી લોકસભા ચૂંટણી માટે 75 દિવસમાં તેમની રેલીઓ અને રોડ શો સહિત 200થી વધુ પ્રચાર કાર્યક્રમો યોજ્યા હતા. PM મોદીએ લોકસભા ચૂંટણીના 7 તબક્કા માટે વિવિધ મતવિસ્તારોમાં રેલીઓ યોજી હતી. પીએમ મોદીએ વિવિધ મીડિયા સંસ્થાઓને ઈન્ટરવ્યુ પણ આપ્યા. તેમણે ધર્મના આધારે આરક્ષણ, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), અયોધ્યામાં રામ મંદિર, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ અને અન્ય સહિતના વિવિધ મુદ્દાઓ પર વિપક્ષની ટીકા કરી હતી.
8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા 57 લોકસભા મતવિસ્તારોના મતદારો શનિવારે મતદાનના સાતમા અને અંતિમ તબક્કામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જે લગભગ 44 દિવસ સુધી ચાલેલી મતદાન કવાયતને પૂર્ણ કરશે. લોકસભાની 543 બેઠકો માટે 19 એપ્રિલથી 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. 4 જૂને મતગણતરી થશે.