બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસા ફાટી નીકળી, જયનગરમાં ટોળાએ VVPATની લૂંટ ચલાવી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળમાંથી ફરી હિંસાના અહેવાલો સામે આવ્યા છે. બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે ટ્વીટ કર્યું હતું કે આજે સવારે 6.40 વાગ્યે જયનગર સંસદીય મતવિસ્તારમાં બેનીમાધવપુર એફપી સ્કૂલમાંથી ટોળા દ્વારા કેટલાક અનામત EVM અને સેક્ટર ઓફિસરના કાગળો લૂંટી લેવામાં આવ્યા હતા. બંગાળના સીઈઓ દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે ટોળાએ બે VVPAT મશીનો તળાવમાં ફેંકી દીધા હતા. સેક્ટર ઓફિસરે આ મામલે FIR દાખલ કરી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ સેક્ટરના બાકીના છ બૂથ પર વોટિંગ પ્રક્રિયા ચાલી રહી છે. સેક્ટર ઓફિસરને નવા EVM અને પેપરો આપવામાં આવ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્થાનિક ગુંડાઓએ પહેલા ચૂંટણી પંચની ટીમને અહીં પ્રવેશતા અટકાવી હતી. આ પછી, વિવાદ થયો અને કેટલાક લોકોએ VVPAT ઉપાડીને નજીકના તળાવમાં ફેંકી દીધા હતા.
અહેવાલો અનુસાર, બંગાળના જાદવપુર સ્થિત ભાનગરના સતુલિયા પાસે પણ હિંસાની ઘટના નોંધાઈ છે. ભારતીય સેક્યુલર ફ્રન્ટ (ISF) અને CPI(M)ના સમર્થકો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જેમાં ISFના ઘણા કાર્યકરો ઘાયલ થયા હતા. બીજી તરફ કોલકાતા ઉત્તર લોકસભા સીટ પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના ઉમેદવાર તાપસ રોય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીએમસીનો આરોપ છે કે, ભાજપ બૂથમાં નકલી વોટિંગ કરાવી રહી છે. આ ઘટના અંગે તાપસે કહ્યું કે, તે આ અંગે કંઈ જાણતો નથી. મતદાન એજન્ટો પહેલેથી જ બૂથ પર હાજર છે.