1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી
લોકસભા ચૂંટણીઃ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી

લોકસભા ચૂંટણીઃ મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનું આજે શનિવારે શાંતિપૂર્ણ માહોલમાં સાતમા તબક્કાનું મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ વિવિધ સંસ્થાઓએ પોતાના એક્ઝિટ પોલ જાહેર કર્યાં હતા. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપા અને તેની આગેવાની હેઠળની એનડીએને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. એટલું જ નહીં વર્ષ 2019ની સરખામણીએ બેઠકોમાં પણ વધારો જોવા મળ્યો હતો. આમ એક્ઝિટ પોલ પ્રમાણ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર ભાજપાની સરકાર બનતી જોવા મળે છે. જો કે, તા.4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે. ત્યારે જ કોની સરકાર બને છે તે જાણી શકાશે. બીજી તરફ મતગણતરીને લઈને ચૂંટણીપંચ દ્નારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રિપલ્બિક મેટ્રીઝના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 353-368 જેટલી બેઠકો મળી રહી છે.જ્યારે ઈન્ડી ગઠબંધનને 118થી 135 અને અન્ય પક્ષોને 118થી 135 જેટલી બેઠકો મળી રહી છે. આવી જ રીતે ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનમિક્સના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 371, ઈન્ડી ગઠબંધનને 125 અને અન્યને 47 જેટલી બેઠકો મળી રહી છે. રિપબ્લિક પીમારક્યુના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 359, ઈન્ડિ ગઠબંધનને 164 અને અન્યની 30 જેટલી બેઠકો ઉપર જીત થઈ રહી છે.જન કી બાતના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 363થી 392, ઈન્ડી ગઠબંધનને 141થી 161 અને અન્યને 10થી 20 જેટલી બેઠકો મળી રહી છે. ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલ અનુસાર એનડીએને 342થી 378, ઈન્ડિ ગઠબંધનને 153થી 169 અને અન્યને 21થી23 જેટલી બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા ટીવીનાએક્ઝિટ પોલ અનુસાર એનડીએની 371થી 401, ઈન્ડિ ગઠબંધનની 109થી 139 તથા અન્યની 28થી38 બેઠકો ઉપર જીત થઈ રહી છે. લોકસભાની ચૂંટણીમાં મોટાભાગના રાજકીય આગેવાનોની નજર પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત ઉપર મંડાયેલી હતી. એક્ઝિટ પોલ અનુસાર પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને નુકશાન થઈ રહ્યું છે.જ્યારે વર્ષ 2019ની સરખામણીએ ભાજપાની બેઠકોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, શનિવારે મતદાન પૂર્ણ થયા બાદ ઈન્ડિ ગઠબંધનની બેઠક મળી હતી. બેઠક બાદ ગઠબંધને 295થી વધારે બેઠકો ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપા 319થી 338, કોંગ્રેસ 62થી 64, ડીએમકે 15થી 19, તૃણમુલ 14થી18, જેડીયુ 11થી 13, આરજેડી 2થી 4, આમ આદમી પાર્ટી 2થી 4, વાયએસઆરસીપી 3થી 5, ટીડીપી 12થી 16, બીજેડી 4થી 6, સપા 10થી 14, શિવકેસના (ઉદ્ધવ ઠાકરે) 10થી 12 અને શિવસેના (શિંદે) 5થી 7 બેઠકો ઉપર જીતી રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં તમામબેઠકો ઉપર ભાજપની જીતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની સુરત બેઠક ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી હતી. જેથી ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપાની બેઠકો વધવાની સાથે દક્ષિણ રાજ્યોમાં પણ ભાજપા સારુ પ્રદર્શન કરવી જોવાનું મનાઈ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની જવાબદારી ઉઠાવીને સમગ્ર દેશમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો.બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ઈન્ડિ ગઠબંધનના નેતાઓ સાથે મળીને વિવિધ રાજ્યમાં વિશાળ રેલીઓ અને સભાઓને ગજવી હતી. ભાજપાએ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની 370 અને એનડીએનો 400થી વધુ બેઠકોનો લક્ષ્યાંક નક્કી કરીને પ્રચારની રણનીતિ તૈયાર કરી હતી. ભાજપા તરફથી વડાપ્રધાનની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી, અસમના સીએમ હિમંતા બિસ્વા સરમા, સહિતના સ્ટાર પ્રચારકોએ ઝંઝાવતી પ્રચાર કર્યો હતો.જ્યારે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ સમગ્ર દેશમાં રેલીઓ અને સભાઓ ગજવી હતી.

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન મુસ્લિમ અનામત, ગીરીબ, બેરોજગારી, સહિતના મુદ્દા મહત્વના રહ્યાં હતા. એટલું જ નહીં પ્રચાર-પ્રચારમાં પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સિનિયર નેતા ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીના સમર્થનમાં ટ્વીટ કરતા ભારતીય રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપાના નેતાઓએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. બીજી તરફ લોકસભાની ચૂંટણી દરમિયાન ગરમીને પગલે વર્ષ 2019ની સરખામણીએ અનેક રાજ્યોમાં મતદાન ઉપર પણ અસર જોવા મળી છે. વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ઓછુ મતદાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code