અમદાવાદઃ ગાંધીનગર ખાતે તાજેતરમાં આરોગ્ય વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના વડાઓ સાથે બેઠક મળી હતી. જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબોની ઘટ નિવારવા માટે ક્લાસ-1 તબીબોને રૂ.95 હજારથી વધુ રૂ.1.30 લાખ પગાર ચૂકવવા વૈચારિક સંમતિ અપાઇ હતી. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ આચારસંહિતા પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યના 200થી વધુ ડિસ્ટ્રિક્ટ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા. સચિવ ધનંજય દ્વિવેદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક સવારે 10 વાગ્યાથી સાંજે 7.45 વાગ્યા સુધી ચાલી હતી. આ બેઠકમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કેવી રીતે ઇમ્પ્રુવ કરી શકાય તે માટે ચર્ચા ચાલી હતી જેમાં સચિવ ધનંજય દ્વિવેદીએ હાલમાં મોટાભાગની ખાનગી હોસ્પિટલ આયુષ્માન કાર્ડના દર્દીઓની સારવારની આવક પર ચાલતી હોય તો તે આવક સરકારી હોસ્પિટલમાં કેવી રીતે ડાઇવર્ટ કરી શકાય તે સમજાવ્યું હતું. આ ઉપરાંત પીએચસી, સીએચસી, એસડીએચ સહિતના સ્થળોએ જયાં ડોક્ટરોની ઘટ છે ત્યાં ખાલી જગ્યા ભરવા માટે બોન્ડવાળા તબીબોના ઓર્ડર કરવા નિર્ણય કરાયો છે અને તેના માટે 2700 તબીબની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સગર્ભા મૃત્યુનો દર ઘટાડવા હાઇરિસ્ક સગર્ભાઓને સિવિલમાં દાખલ કરવા સમજાવવા તાકીદ કરાઇ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યના આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી છે. જે આચારસંહિતા બાદ એક સપ્તાહમાં ભરી દેવામાં આવશે.