અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ આજે સોમવારથી ગરમીમાં થોડી રાહત મળી છે. લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આગામી 15મી જુનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ જશે. એવું હવામાન વિભાગનું માનવું છે. જોકે અંબાલાલ પટેલ સહિતના હવામાન શાસ્ત્રીઓ તો 10મી જુન બાદ મેઘરાજાની પધરામણી વાજતે ગાજતે થશે એવી આગાહી કરી રહ્યા છે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળછાંયુ વાતાવરણ રહેશે અને પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લીધે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધીને 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની થશે. ત્યારબાદ 5 દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હાલમાં ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાપમાન યથાવત રહેશે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ ગુજરાતમાં કાલે મંગળવારથી 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, કારણ કે, સમુદ્રના ઉત્તર ભાગમાં એટલે કચ્છ પાસે ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે. જેને કારણે તેની સક્રિયતા ઓછી થવાથી પવનની ગતિ ધીમી પડી હતી પરંતુ, આવતીકાલે મંગળવારથી આ સ્ટીપ ફરીએકવાર તેની અસરો વર્તાવતા 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. આ ઉપરાંત આ વર્ષે વરસાદ પણ સારો રહેશે. મહત્વનું છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગો કરતા સારો વરસાદ વરસી શકે છે. જેથી ખેડૂતો માટે આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં પશ્ચિમથી દક્ષિણ-પશ્ચિમના પવનોની અસરથી અમદાવાદમાં આજે સોમવારે ગરમીનો પારો ઘટ્યો છે તેમજ જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન પારો 38થી 40 ડિગ્રી વચ્ચે રહેશે. પરંતુ, જૂનના બીજા અઠવાડિયા દરમિયાન પવનની દિશા બદલાઇને રાજસ્થાન તરફથી આવતાં ઉત્તર-પશ્ચિમના સૂકા ગરમ પવનોથી અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહત્તમ અને લઘુતમ તાપમાન ઉંચકાવાથી ગરમી વધશે. 15 જૂનથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. પરંતુ, ત્રીજા અને ચોથા અઠવાડિયા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ પડશે. તેમાંય ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.