કાળઝાળ મોંઘવારીમાં દૂધના ભાવ તેમજ ટોલટેક્સમાં વધારો દાઝ્યા પર ડામ સમાન છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ નેશનલ હાઈવે પર વધુ એક વખત ટોલટેક્ષમાં વધારો અને અમૂલદૂધના ભાવ વધારાથી મોંઘવારીના વધુ એક કારમાં ઝટકાથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો માટે મુશ્કેલી વધશે, મત લેવાનો કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપાએ મોંઘવારીનો માર આપવાની નીતિ શરૂ કરી, દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસ પર મોંઘવારીનો માર પડ્યો છે. તેમ ભાજપ સરકાર સામે પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારાથી જીવનજરૂરી વસ્તુઓ વધુ મોંઘી થશે, મતદાન પૂર્ણ થતાની સાથે જ ભાજપ સરકારે અચ્છે દિનનો અહેસાસ કરાવી દીધો, પાઠ્યપુસ્તક સહિતની શૈક્ષણિક વસ્તુઓ પર પણ ભાવ વધારો કરાયો છે, GCMMF લિમિટેડ દ્વારા રવિવારથી દૂધ અને દહીંમાં નવા ભાવ વધારાનું અમલીકરણથી દૂધ અને દહીંમાં બે થી ત્રણ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના પગલે સામાન્ય અને મધ્યમવર્ગ માટે દૂધ, દહીંનો ભાવ વધારો એ દાઝ્યા પર ડામ સમાન છે. જી.એસ.ટી.ને પગલે અનાજ, કઠોળ, સીંગતેલ, શાકભાજી, દૂધ, દહીં, પનીર, છાશ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં થયેલા બેફામ ભાવ વધારાના પગલે સામાન્ય અને મધ્યમવર્ગને જીવન જીવવું દુષ્કર બન્યું છે. રાજ્ય અને દેશમાં કાળજાળ મોંઘવારીને પગલે આપઘાતનું પ્રમાણ ખાસ્સું વધવા પામ્યું છે. સફેદ દૂધમાં ચાલતો કાળો કારોબાર અને નફાનું વધતું દુષણ ડામવામાં સરકારનું કોઈ જ નિયંત્રણ નથી. દર વર્ષે અમૂલ દૂધમાં એક લીટરે બે થી ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવે છે છેલ્લે 14 મહિના પહેલાં પણ રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો હતો. ક્યારેય પણ અમૂલ દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવતો ન હોવાને પગલે અમુલ દૂધ એ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી. જો સરકારની દાનત હોય તો દૂધ અને દહીં પરનો જી.એસ.ટી. હટાવી સરકાર આમ પ્રજાને દૂધ અને દહીં સસ્તા પુરું પાડી શકે તેમ છે.
તેમણે કહ્યું હતું કે, અમદાવાદથી વડોદરા જવા માટે 135 ચૂકવવા પડશે, અમદાવાદ થી આણંદ જવા 85 અને નડીયાદ જવા 65 રૂપિયા ચુકવવા પડશે, કોમર્શિયલ માટે અમદાવાદ થી નડીયાદ વચ્ચે 105, બસ અને ટ્રક માટે 220 અમદાવાદ થી આણંદ માટે હળવા વાહનો માટે 140 બસ અને ટ્રક માટે 290 વડોદરા માટે હળવા સાધનો માટે 220 બસ અને ટ્રક માટે 465 ચૂકવવા પડશે. વાસદ ટોલ પર નવા ભાવ કાર 150, હળવા વાહનો 230, બસ અને ટ્રક 475, ખેડા ટોલ પર નવા ભાવ કાર-105 હળવા ટ્રાન્સપોર્ટેશન સાધનો 165, સાબરકાંઠાના પ્રાતીજ ટોલપ્લાઝા પર ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રાતીજ ટોલ પ્લાઝા પર 5 થી 15 રૂપિયાનો ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસ માટે જીવન નિર્વાહ વધુ પડકારજનક બનશે, આનાથી મોટો વિશ્વાસઘાત બીજો કોઇ ના હોઈ શકે. ભાજપા દૂર થશે તો જ મોંઘવારીમાંથી રાહત થશે.