ચૂંટણી પરિણામ Live: એનડીએ અને ઈન્ડિ ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામમાં હાલની સ્થિતિએ એનડીએ અને ઈન્ડી ગઠબંધન વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. લોકસભાની 543 બેઠકો ઉપર હાલ ગણતરી કરવામાં આવી રહી છે અને ચાર રાઉન્ડ પુરા થયાં છે. ચાર રાઉન્ડમાં એનડીએ અને ઈન્ડિ ગઠબંધન વચ્ચે જોરદાર હરિફાઈ જોવા મળી રહી છે.
લોકસભાની ચૂંટણીમાં સાત તબક્કામાં યોજાયેલા મતદાનમાં 60થી 66 ટકા જેટલુ મતદાન થયું હતું. આજે સવારથી જ મતગણરી હાથ ધરવામાં આવી રહી છે. હાલની સ્થિતિએ એનડીએએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ ઈન્ડી ગઠબંધનની બેઠકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિ ગઠબંધન હાલ 220થી વધારે બેઠકો ઉપર આગળ છે. હવે થોડા સમયમાં જ લોકસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
- ઉત્તરપ્રદેશમાં પ્રાથમિક તારણોમાં ઈન્ડી ગઠબંધન આગળ
ઉત્તર પ્રદેશમાં મતગણતરી શરૂ થયા બાદ પહેલો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં મોટી ઉથલપાથલ થતી જોવા મળી રહી છે. રાજ્યમાં ઈન્ડિ એલાયન્સે રાયબરેલી, મૈનપુરી, કન્નૌજ, ઘોસી, મેરઠ સહિત ઘણી સીટો પર લીડ મેળવી છે. રાજ્યમાં ઘણી બેઠકો પર પ્રારંભિક વલણોમાં ઈન્ડી ગઠબંધન આગળ છે.
સપાના વડા અખિલેશ યાદવ કન્નૌજ બેઠક પરથી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી, કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન મસૂદ સહારનપુરથી, ધર્મેન્દ્ર યાદવ આઝમગઢથી અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ, ઘોસી સીટ પર સપાના ઉમેદવાર રાજીવ રાયને સુભાસપા અને એનડીએના ઉમેદવાર અરવિંદ રાજભરથી આગળ છે. મેરઠ સીટ પર શરૂઆતી વલણોમાં ભાજપના ઉમેદવાર અરુણ ગોવિલ પાછળ છે.
રામપુરમાં સપાના ઉમેદવાર મુહિબુલ્લા નદવી આગળ ચાલી રહ્યા છે, બીજેપી સાંસદ અને ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધી આ સીટ પર પાછળ છે. ઉત્તર પ્રદેશમાં મતગણતરી શરૂ થયાના અડધા કલાકથી વધુ સમય બાદ હવે એનડીએ ગઠબંધન 20 સીટો પર આગળ છે. બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ 11 સીટો પર આગળ છે. રાજ્યમાં મોટા નેતાઓ આગેવાની કરી રહ્યા છે.
- લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ, પ્રારંભમાં ઈન્ડી ગઠબંધન આગળ
લોકસભા ચૂંટણી બાદ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેશના વિવિધ રાજ્યોમાં મતગણતરી કેન્દ્રો ઉપર ચૂંટણીપંચના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાજકીય પક્ષોના એજન્ટોની સામે મતગણતરી શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પ્રારંભમાં જ ઈન્ડી ગઠબંધન આગળ રહી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જ જાહેર કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં કન્નોજ, ઘોસી બેઠક ઉપર વિપક્ષી ગઠબંધન આગળ ચાલી રહ્યું હતું. આ ઉપરાંત શિમલા, સિરસા, વાયનાડમાં પણ ઈન્ડી ગઠબંધન આગળ જોવા મળ્યું હતું. નાગપુરમાં ભાજપના ઉમેદવાર નિતિન ગડકરી આગળ હતા. જ્યારે ઉત્તરાખંડમાં મંડી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કંગના રનૌત પાછળ હતા. પ્રારંભમાં એનડીએ 16 બેઠકો ઉપર જ્યારે ઈન્ડિ ગઠબંધન 27 બેઠકો ઉપર આગળ હતું.