વિપક્ષના ઈડી, સીબીઆઈના દુરુપયોગના દાવાને જનતાનું પણ સમર્થન, 2024ના પરિણામોમાં ભાજપને આંચકો!
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીમાં અત્યાર સુધીમાં આશ્ચર્યચકિત કરનારા પરિણામો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં 400ના આંકડાને સ્પર્શી રહેલું ભાજપ હાલ ઘણું પાછળ દેખાય રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા ઘમાં રાજ્યોમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં અહીં ભાજપના ઉમેદવાર પાછળ રહ્યા છે. 80 લોકસભા બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં ભાજપને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન આકરી ટક્કર આપી રહ્યું છે. અત્યાર સુધીના પરિણામો દર્શાવે છે કે અહીં એનડીએ અને વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા લગભગ બરાબર-બરાબર બેઠકો પર બઢત બનાવી રાખવામાં સફળ રહ્યા છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં ભાજપને લાગેલા આંચકા બાદ માનવામાં આવે છે કે જનતાએ વિપક્ષના એ દાંવને પોતાનું સમર્થન આપ્યું છે, જેમાં ઈડી અને સીબીઆઈની કાર્યવાહીનો મુદ્દો બનાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, તૃણમૂલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના નેતાઓ પર થયેલી કાર્યવાહીને લઈને જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષે એકસૂરમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈશારે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા વિપક્ષી નેતાઓનો અવાજ દબાવાય રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દાને લગભગ પોતાની દરેક ચૂંટણી રેલીમાં ઉઠાવ્યો. જો વિપક્ષને મળેલી હાલની બઢત આખરી પરિણામમાં બદલાય છે, તો ભાજપ માટે ખરેખર ચિંતાનો વિષય બનશે.