અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસની તાપમાનમાં સરેરાશ ઘટાડો થયો છે. હવામાન વિભાગે 15મી જુનથી ચોમાસુ બેસી જશે એવી આગાહી કરી છે. ત્યારે આજે બુધવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે વલસાડ અને નવાસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો.
ગુજરાતમાં ચોમાસુ 15 મી જુનથી બેસી જશે. દરમિયાન મુંબઈમાં પણ આજે વરસાદ પડ્યો હતા. અને ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આજે બુધવાર સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાળા, કોસંબા, ભાગદાખુર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. કામ ધંધે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. ગરમીને લઈને સમગ્ર જિલ્લામાં ઉકળાટની સ્થિતિ છે. જોકે, વરસાદથી ઠંડકનો અહેસાસ પણ લોકોને થયો છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં સવારે અચાનક પલટો આવ્યો હતો. આ બદલાવની અસર ખાસ કરીને જિલ્લાના પૂર્વ પટ્ટીમાં જોવા મળી છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જેનાથી હવામાનમાં ઠંડકનો અનુભવ થયો હતો. બીલીમોરા વિસ્તારમાં પણ ઝાંપટા પડ્યા હતા.
દરમિયાન રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં 7મીથી 12 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. અમદાવાદમાં વરસાદની એન્ટ્રી જૂનના છેલ્લા વીકમાં થવાની શક્યતા હોવાથી હાલ ગરમી-બફારાનું પ્રમાણ યથાવત્ રહેશે. જૂનના છેલ્લાં અઠવાડિયા પછી અમદાવાદમાં વરસાદની એન્ટ્રીની શક્યતા છે.