ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાં સુરતની બેઠક ભાજપની બિનહરિફ બનતા 25 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 24 બેઠકો પર ભાજપનો વિજ્ય થયો હતો. જ્યારે કોંગ્રેસનો એક બેઠક પર વિજ્ય થયો હતો. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સિવાય તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થઈ છે. એટલે કે, 266 ઉમેદવારો પૈકી 215 ઉમેદવારોની ડિપોઝિટ પરત આવે એટલાય વોટ મળ્યા નથી. ડિપોઝિટ પરત મેળવવા ઉમેદવારે કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત પ્રાપ્ત કરવા અનિવાર્ય હોય છે. જો કે, ડિપોઝિટ ગુમાવનારા ઉમેદવારોની સંખ્યા ગત ચૂંટણી કરતા ઘણી ઓછી જોવા મળી છે.
લોકસભાની ચૂંટણીમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારની ડિપોઝિટ રકમ રૂપિયા 25,000 અને રિઝર્વ કેટેગરીના ઉમેદવારની ડિપોઝિટ રુપિયા 12,500 હોય છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકની ચૂંટણીમાં એક બેઠક બિન હરિફ બની હતી, એટલે 25 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થતાં ભાવનગર અને ભરૂચની બેઠક પર આપ અને ભાજપ વચ્ચે તેમજ બાકીની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો મુકાબલો થયો હતો. 25 બેઠકમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલા ઉમેદવાર મળી 50 ઉમેદવારોના મત ડિપોઝિટ પરત મેળવવાના દાયરામાં આવ્યા છે. આ સિવાયના 215 ઉમેદવારોએ કુલ મતદાનના 10 ટકા પણ મત મળ્યા ન હોવાથી તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌથી વધુ અમદાવાદ પૂર્વની બેઠકમાં 16 ઉમેદવાર, નવસારીમાં 12, વડોદરામાં 12, ગાંધીનગરમાં 12, પંચમહાલમાં 6, છોટા ઉદેપુરમાં 4, રાજકોટમાં 7, બનાસકાંઠામાં 10, ખેડામાં 10, વલસાડમાં 5, ભરૂચમાં 11, ભાવનગરમાં 11, અમદાવાદ પશ્ચિમમાં 4, કચ્છમાં 9, મહેસાણામાં 4, સુરેન્દ્રનગરમાં 12, સાબરકાંઠામાં 12, જામનગરમાં 12, પોરબંદરમાં 10, બારડોલીમાં 1, અમરેલીમાં 6, આણંદમાં 5, પાટણમાં 8, જૂનાગઢમાં 9 અને દાહોદમાં 7 ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી છે.