રાજકોટમાં હાઉસિંગ બોર્ડના 696 જર્જરિત મકાનોના નળ-વીજ કનેક્શનો કપાયા, હવે ડિમોલિશન કરાશે
રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ હવે સરકારી તંત્ર છાશ પણ ફુંકીને પીએ છે. અધિકારીઓ હવે કોઈ જોખમ લેવા માગતા નથી. ત્યારે ચોમાસામાં જર્જરિત મકાનો તૂટી પડે અને કોઈ દૂર્ઘટના સર્જાય તે પહેલા આવા મકાનો ખાલી કરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે શહેરના દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં અતિ જર્જરિત બનેલા 34 બ્લોકના 696 મકાનોના નળ અને વીજળીના જોડાણો કાપી નંખાયા હતા. હવે તમામ જર્જરિત મકાનોનું ડિમોલિશન હાથ ધરાશે.
રાજકોટ શહેરમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. હાલ ફાયર એનઓસી ન હોય તેવી મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ બપોર સુધીમાં જ 17 મિલકતો સીલ કરી દેવાઈ હતી. દરમિયાન આરએમસી અને પીજીવીસીએલની ટીમ દૂધસાગર રોડ પર ટાંકા પાછળ આવેલી હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં પહોંચી હતી. અને 34 બ્લોકના 696 ક્વાર્ટરના નળ અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા અને હવે તેના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે.
આરએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોમાસા પહેલા મ્યુનિ.દ્વારા જર્જરિત મકાન માલિકોને નોટિસ આપવામાં આવે છે. પણ ત્યારબાદ મ્યુનિ. દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.અગ્નિકાંડની ઘટના બાદ આરએમસી વધુ સક્રિય બની છે. અને સરકારે પણ સ્પષ્ટ સુચના આપી છે. કે, ચોમાસા પહેલાં જર્જરિત મકાનો પરનો જોખમી ઈમલો તાત્કાલિક તોડી નાખવો અને તેમાં કોઇની ભલામણ રાખવાની નથી. આ કારણે વીજતંત્ર અને આરએમસીનું તંત્ર દોડતુ થયુ છે. હાલ 696 મકાનના નળ અને વીજ કનેક્શન કાપી નાખ્યા છે અને આગામી બે દિવસમાં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાશે.
આરએમસીના સિટી એન્જિનિયરે કહ્યુ હતું કે, આ આવાસો પાંચ દાયકા કરતા પણ જૂના છે 2016થી નોટિસ આપવામાં આવે છે તેમજ હાઉસિંગ બોર્ડે પણ જાહેર નોટિસ આપી દીધી છે. આવાસો એટલા જર્જરિત છે કે કોઇપણ દુર્ઘટના બની શકે છે એટલે તાત્કાલિક દૂર કરવા જરૂરી છે.