રિયાસી હુમલાના એક પણ આતંકવાદીને છોડવામાં નહી આવે: અમિત શાહ
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે આતંકવાદીઓએ તિર્થયાત્રીઓને લઈને જતી બસ પર ગોળીબાર કરતા બસ ખીણમાં ખાબકી હતી અને આ ઘટનામાં 10 યાત્રિકોના મોત નિપજ્યા છે. આ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ સહિતના નેતાઓએ દુખ વ્યક્ત કર્યુ છે, તો બીજી બાજુ કેન્દ્રીયમંત્રી પદના શપથ લીધા બાદ તુરંત જ મંત્રી અમિત શાહે આ ઘટનાને વખોડી કાઢી હતી. અમિત શાહે જણાવ્યુ કે આ ઘટનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહી આવે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે અને તેઓ પણ આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ઘાયલોને ઝડપથી સારવાર મળે તે માટે જમ્મુ-કાશ્મીર સરકારને તાકીદ પણ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં યાત્રિકોની બસ શિવખોડી મંદિરે જઈ રહી હતી તે દરમિયાન પોની વિસ્તારના તેરયાથ ગામમાં આતંકીઓએ અચાનક હુમલો કરી દીધો. આંતકીઓએ બસ પર ગોળીએ વરસાવવાનું શરુ કર્યુ જેના પગલે બસ ડ્રાઈવરને ગોળી વાગતા ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો અને બસ ઊંડી ખાઈમાં ખાબકી. આ દુર્ઘટનામાં 10 યાત્રિકોના મોત થયા છે જ્યારે ગોળી વાગવાથી તેમજ બસ ખાઈમાં પડવાથી ઘવાયેલા યાત્રિકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આતંકવાદી હુમલા બાદ સ્થાનિક પોલીસ અને અર્ધસૈન્ય દળોએ આ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી છે. ઘટનાસ્થળેથી ફુટેલા કારતુસ પણ મળી આવ્યા છે.
આ સમગ્ર ઘટના મામલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ, કેન્દ્રીયમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ આ ઘટનાને વખોડી કાઢી છે. કેન્દ્રીયમંત્રી અમિત શાહે આ ઘટના મુદ્દે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને પોલીસ વડા આર. આ. સ્વૈન સાથે વાતચીત કરી ઘટનાની જાણકારી મેળવી હતી. અમિત શાહ કહ્યુ કે આ હુમલાના આરોપીએને છોડવામાં નહી આવે. સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ચિકિત્સા સુવિધા પુરી પાડવા માટે યુદ્ધના ધોરણે કાર્યરત છે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એક્સ પર પોસ્ટ કરીને આ હુમાલાને કાયરતાપૂર્ણ હુમલો ગણાવી તેની નિંદા કરી હતી. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સંયુક્ત રીતે આતંકવાદીઓને ઝડપી લેવાની દિશામાં તપાસ કરી રહ્યા છે.