જમ્મુ-કાશ્મીરમાં બસ પર થયેલા આતંકવાદી હુમલોને રાષ્ટ્રપતિજીએ ‘કાયરતાપૂર્ણ કૃત્ય’ ગણાવ્યું
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જમ્મુ અને કાશ્મીરમાં યાત્રાળુઓને લઈ જતી બસ પર રવિવારના આતંકવાદી હુમલાને “કાયરતાભર્યું કૃત્ય” ગણાવ્યું અને કહ્યું કે રાષ્ટ્ર પીડિતોના પરિવારોની સાથે છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સાંજે ઉત્તર પ્રદેશના તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેના કારણે બસ ખાઈમાં પડી ગઈ. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, “જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. આ ગુનાહિત કૃત્ય માનવતા વિરુદ્ધનો ગુનો છે અને શક્ય તેટલા સખત શબ્દોમાં તેની નિંદા થવી જોઈએ. આખો દેશ પીડિત પરિવારોની સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
અગાઉ, અન્ય પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ “જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં થયેલા બસ અકસ્માત વિશે જાણીને ખૂબ જ દુઃખી છે, જેમાં ઘણા યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા.” મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સાજા થવા ઈચ્છું છું.” આ પોસ્ટને પછીથી ‘ડિલીટ’ કરવામાં આવી હતી.