7 રાજ્યોની 14 બેઠકો પર પેટા ચૂંટણીની ચૂંટણીપંચે જાહેર કરી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ નવી સરકારની રચના થઈ છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં તેમના મંત્રીમંડળે પણ શપથગ્રહણ કર્યાં હતા. એટલું જ નહીં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થવા માટે દેશની જનતાએ પણ ચૂંટણીપંચની કામગીરીની પ્રશંસા કરી છે. દરમિયાન ચૂંટણી પંચે સાત રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ બેઠકો પર 10 જુલાઈના રોજ મતદાન થશે.
ચૂંટણી પંચે સાત રાજ્યોની 14 બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ 14 બેઠકો માટે 14 જૂનના રોજ આચારસંહિતા જાહેર કરવામાં આવશે અને 10 જુલાઈના રોજ મતદાન યોજાશે. જે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં બિહારની રુપૌલી, પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ (એસસી), બાગદા (એસસી), મણિકતલા, તમિલનાડુની વિક્રાવંડી, મધ્ય પ્રદેશની અમરવાડા (એસટી), ઉત્તરાખંડની બદ્રીનાથ, મંગલૌર, પંજાબની જલંધર પશ્ચિમ (એસસી), હિમાચલ પ્રદેશની દેહરા, હમીરપુર અને નાલાગઢનો સમાવેશ થાય છે. આ બેઠકો ધારાસભ્યોએ રાજીનામુ આપવાથી અથવા તેમના અવસાનથી ખાલી પડેલી છે.