મોદી સરકાર એક્શન મોડમાં, મંત્રીઓએ પોતાના વિભાગોનો હવાલો સંભાળ્યો
નવી દિલ્હીઃ મોદી 3.0 સરકાર મંગળવારથી ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે. સવારથી જ અનેક મંત્રીઓએ એક પછી એક પોતાના વિભાગોની જવાબદારી સંભાળી લીધી છે. રવિવારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ ગઈકાલે સોમવારે ચાર્જ સંભાળીને સૌપ્રથમ ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો હતો. દરમિયાન મોડી સાંજે કેબિનેટની બેઠક મળી હતી. આ ઉપરાંત મંત્રીઓને વિભાગ ફાળવવામાં આવ્યા હતા. આજે મોટાભાગના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો હતો.
- ડૉ. એસ. જયશંકરે વિદેશ મંત્રાલયનો હવાલો સંભાળ્યો
ડૉ. એસ. વિદેશ મંત્રાલયમાં પહોંચ્યા બાદ જયશંકરે ફરી એકવાર વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. કાર્યભાર સંભાળતા પહેલા, તેમણે કહ્યું હતું કે “દરેક વ્યક્તિ છેલ્લા વર્ષોમાં મંત્રાલયના કામથી સંતુષ્ટ છે અને ભવિષ્યમાં પણ આવી જ કામગીરી ચાલુ રહેશે.” વિદેશ મંત્રીએ કહ્યું- ‘વિદેશ મંત્રાલયના નેતૃત્વની જવાબદારી ફરીથી મેળવવી એ ખૂબ જ સન્માનની વાત છે’, ડૉ. એસ. જયશંકરે એમ પણ કહ્યું હતું કે, “વિદેશ મંત્રાલયના નેતૃત્વની જવાબદારી ફરી એકવાર મળી એ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આ મંત્રાલયે છેલ્લા કાર્યકાળમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું.
- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો
જ્યારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા છે અને તેમને દેશની સેવા કરવાની તક આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું- “10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક તાકાતને 11માં સ્થાનેથી પાંચમા સ્થાને લાવી દીધી છે. લોકોના જીવનમાં ધરખમ પરિવર્તન લાવ્યા. એ જ ભાવના સાથે, પીએમ મોદીની સરકારના રૂપમાં જનતાએ અમને જે આશીર્વાદ આપ્યા છે, તેને ફળીભૂત કરવા માટે અમે જનતાની સેવાની ભાવના સાથે કામ કરીશું.”
અશ્વિની વૈષ્ણવને રેલ્વે મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. આજે તેમણે રેલ ભવન ખાતે રેલ્વે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ અવસરે તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવામાં રેલવે મંત્રાલય મોટી ભૂમિકા ભજવશે.
- કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રીનો ચાર્જ સંભાળ્યો
બીજી તરફ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પણ આ જવાબદારી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો અને દેશવાસીઓને પ્રધાનમંત્રીના અભિયાન ‘એક પેડ મા કે નામ’માં જોડાવા માટે અપીલ કરી.
- કીર્તિવર્ધન સિંહે રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
કીર્તિ વર્ધન સિંહે પણ આજે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ પહેલા તેમણે તેમના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે પોતાની જવાબદારી સારી રીતે નિભાવવાની પણ વાત કરી હતી.