વડોદરામાં ફાયરસેફ્ટીના મુદ્દે સમય આપ્યા વિના સિલિંગ ઝૂંબેશ હાથ ધરાતા શાળા સંચાલકોનો વિરોધ
વડોદરાઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર વધુ સજાગ બન્યુ છે. વડાદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી અને બીયુ ન હોય એવા બિલ્ડિંગો સીલ કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલીક ખાનગી શાળાઓના મકાનો પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આથી શાળાના સંચાલકો વિરોધ કરી રહ્યા છે. શાળાઓને સમય આપવાને બદલે આડેધડ નોટિસો આપવી, શાળા બિલ્ડિંગ સીલ કરવાની કાર્યવાહી કરાઇ રહી હોવાની રજૂઆતો શહેર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ તપાસ માટે આવતા અધિકારીઓ શાળા સંચાલકો સાથે ગેરવર્તણૂક, તોછડાઈ અને ઉદ્ધતાઇપૂર્વક વર્તન કરતા હોવાના આક્ષેપો કરાયા છે.
વડોદરા શહેર શાળા સંચાલક મંડળે કલેક્ટર, મ્યુ. કમિશનર અને ડીઇઓને આવેદન આપી રજૂઆત કરી હતી. સંચાલક મંડળના પ્રમુખ આર.સી.પટેલે કહ્યું કે, અમે રાજકોટની ઘટનાને વખોડી કાઢીએ છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે સંદર્ભે શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલક મંડળો ચિંતિત અને જાગૃત છે. હરણી બોટ દુર્ઘટના બાદ સંચાલકોને સજાગ રહેવા જાણ કરેલી છે. ફાયર સેફ્ટીના નિયમોની ચકાસણી થાય તેની સામે વિરોધ નથી પણ, બિનજરૂરી હેરાનગતિનો વિરોધ કરીએ છીએ. રાજ્ય અગ્નિ નિવારણ સેવાની કચેરીના 12 જાન્યુઆરી, 2022ના પરિપત્ર મુજબ પ્રથમ વખત નવાં સાધનનું ઇન્સ્ટોલેશન કરાવ્યું હોય તો 3 વર્ષ પછી ફાયર એનઓસી રિન્યુ કરાવવાનો નિયમ છે. આ પછી દર 2 વર્ષે ફાયર એનઓસી રિન્યુ કરાવવાનો નિયમ છે. જોકે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફાયર એનઓસી રિન્યુ કરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે.
શાળા સંચાલક મંડળે કલેક્ટરને એવી રજુઆત કરી હતી કે, શૈક્ષણિક સંસ્થાઓની આડેધડ સીલિંગની કાર્યવાહી શિક્ષણને લકવાગ્રસ્ત કરી દેશે. જે સંસ્થામાં સીલ મારે છે ત્યાં અંદર દસ્તાવેજો હોય છે, તો સીલ મારેલી બિલ્ડિંગમાંથી કેવી રીતે દસ્તાવેજો રજૂ કરવા. નોટિસ આપીને તમામ વસ્તુઓની પૂર્તતા કરવા યોગ્ય સમય આપવો જોઈએ.
વડોદરા શહેરના 50થી વધુ ટ્યૂશન ક્લાસ સંચાલકોએ કલેક્ટર-મ્યુ. કમિશનરને ફાયર સેફ્ટી મુદ્દે રજૂઆત કરી હતી. એકેડેમિક એસો. ગુજરાતના ઉપાધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ તથા વડોદરા એકેડેમિક એસો.ના પ્રમુખ અશ્વીન પરમારની આગેવાનીમાં ક્લાસીસ સંચાલકોએ રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે, સીએ અને એફવાય બીકોમની પરીક્ષા નજીકમાં છે ત્યારે મ્યુનિ. દ્વારા ક્લાસીસને સીલ ન મારવાં જોઈએ. સીલ મારતાં પહેલાં સમય આપવો જોઈએ તથા ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ.