સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 70 હજાર બેઠકો ખાલી રહી, ખાનગી યુનિને ફાયદો
રાજકોટઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં કોમન એડમિશન પોર્ટલથી પ્રવેશ ફાળવવામાં આવી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં 1,18,240 બેઠકો સામે 47,714 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. એટલે 70 હજાર જેટલી બેઠકો ખાલી રહી છે. જ્યારે બીજી બાજુ ખાનગી યુનિવર્સિટીઓની બેઠકો ફુલ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગની અણઘડ નીતિને કારણે કોમન એડમિશન પોર્ટલ દ્વારા પ્રવેશ કાર્યવાહી મોડી શરૂ થતાં પ્રવેશ નહીં મળે એવા ડરને કારણે વિદ્યાર્થીઓએ રાહ જોયા વગર ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લીધો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને સંલગ્ન કોલેજોમાં એક સમયે પ્રવેશ લેવા માટે પડાપડી થતી હતી. પરંતુ આ વર્ષે અડધાથી વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે. હાલ પ્રવેશ પ્રક્રિયાનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. અને પ્રથમ રાઉન્ડના અંતે યુનિવર્સિટીની ફક્ત 40.35 ટકા જ બેઠકો ભરાઈ છે તો બીજી તરફ ખાનગી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે હાઉસફૂલની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 1,18,240 બેઠકો સામે 47,714 વિદ્યાર્થીઓએ એડમિશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં એજ્યુકેશન, સાયન્સ, આર્કિટેક્ચર, આર્ટસ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, મેડિકલ, હોમ સાયન્સ, લો, પરર્ફોર્મિંગ આર્ટસ સહિતની ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા છે. જોકે, પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે 60 ટકા જેટલી બેઠકો ખાલી રહી છે. જયારે 40.35 ટકા સીટ ભરાઈ છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં 1,260 બેઠકો સામે 550 બેઠકો પર વિદ્યાર્થીઓના એડમિશન કન્ફર્મ થઈ ચૂક્યા છે. જોકે, તેમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, ફિઝિયોથેરાપી અને આયુર્વેદ એમ કાઉન્સિલના કોર્સમાં પ્રવેશની પ્રક્રિયા કેન્દ્રિય કક્ષાએથી બાકી હોવાથી સીટ ખાલી છે. BBA અને BSCમાં પૂરેપૂરી એટલે કે 240 બેઠકો પર વિદ્યાર્થીઓએ એડમિશન લઇ લેતા હવે જગ્યા રહી નથી. આ સિવાય એન્જિનિયરીંગમાં 390માંથી 50, ફાર્મસીમાં 100માંથી 15 તો સાયન્સમાં 90માંથી 15 સીટ ભરાઇ ચૂકી છે.
સૂત્રોના કહેવા મુજબ ખાનગી યુનિવર્સિટીમાં બેચલર અને માસ્ટર ડિગ્રી સહિતનાં કોર્સમાં 70.66 ટકા સીટ ભરાઈ છે. જેમાં સૌથી વધુ BA (અંગ્રેજી, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર) કોઇપણ એક સ્પેશિયલાઈઝેશનમાં 98.33 ટકા બેઠકો ભરાઈ ગઈ છે. જયારે BCAમાં 95 ટકા તો BBAમાં 85.56 ટકા બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ ચૂક્યા છે. આ સિવાય BCOM અંગ્રેજીમાં 83.33 ટકા સીટ ઉપર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જયારે BSC ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 84 .17 ટકા સીટ ભરાઈ ગઈ છે.