ઊનાઃ ગીર સોમનાથ જિલ્લામાં સિહોની વસતી વધતા જાય છે. હવે તો ગીર જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહ આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઊના શહેરની શેરીઓમાં રાતના સમયે એક સિંહણ આંટાફેરા મારતી જોવા મળતા તેનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. દરમિયાન વન વિભાગને પણ જાણ કરવામાં આવતા સિંહણનું લોકેશન મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
ગીર જંગલના વન્ય પ્રાણીઓને ગ્રામ્ય વિસ્તારોની સીમવાડીમાં તેમજ શહેરી વિસ્તારમાં આંટાફેરા હવે સામાન્ય બની છે. ઊના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવાર સિંહ પરિવાર સાથે જોવા મળતા હોય છે. હાલ અસહ્ય ગરમીના ઉકળાટમાં વન્ય પ્રાણીઓ પાણીની તરસ છીપાવા નીકળતા હોય સાથે શિકારની પણ શોધમાં આંટાફેરા કરતા હોય તેમ ઊના શહેરના રહેણાંક વિસ્તારમાં એક સિંહણ રસ્તા પર દોટ મૂકી જતી હોવાની સમગ્ર ઘટના રહેણાક મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઊનામાં ગીરગઢડા રોડ પર આવેલી જશરાજનગર સોસાયટીના રહેણાક વિસ્તારમાં મધરાત બાદ એક સિંહણ આવી ચડી હતી. રહીશોના મકાન પાસે રસ્તા પર દોટી મૂકી જતી હોય ત્યારે આસપાસમાં પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેને લઈ રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. થોડા દિવસ પહેલા પણ સિંહ પરિવાર આ વિસ્તારની તદ્દન નજીક આવેલા સ્યુગર ફેક્ટરી વિસ્તાર પાસે રસ્તા પર આટાફેરા કરતા જોવા મળ્યા હતાં. ત્યારે વાહન ચાલકોને ગભરાઈ ગયા હતા.