પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2024માંથી બહાર, પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓ હતાશ
નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પહોંચવામાં નિષ્ફળ રહી છે. અમેરિકા અને ભારત સામેની મેચ હારવી પાકિસ્તાનને મોંઘી પડી છે. શુક્રવારે ફ્લોરિડાના લોડરહિલ ખાતે સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ મેદાન પર આયર્લેન્ડ અને યુએસએ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી જેના કારણે પાકિસ્તાનની મુશ્કેલી વધી છે. સુપર 8માં આગળ વધવા માટે પાકિસ્તાન ગઈકાલની મેચમાં યુએસએ હારે તેવી આશા રાખી રહ્યું હતું. પરંતુ મેચ રદ્દ થવાને કારણે યુએસએ એક પોઈન્ટ લઈને સુપર 8 માટે ક્વોલિફાઈ કર્યું હતું.
પાકિસ્તાન માટે વધુ એક ખરાબ સમાચાર છે. તેમની આગામી મેચ આ લોડરહિલ મેદાન પર યોજાવાની છે. જ્યાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જો તે મેચ નહીં થાય તો પાકિસ્તાન માત્ર એક જીત સાથે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન માટે આ એક મોટો ફટકો હશે કારણ કે તેણે ટી20 વર્લ્ડ કપની અગાઉની 2022ની આવૃત્તિમાં ઈંગ્લેન્ડ સાથે ફાઈનલ રમી હતી. અમેરિકા સામેની મેચમાં પાકિસ્તાન સુપર ઓવરમાં હારી ગયું હતું.
આ મેચમાં બાબર આઝમે 44 રન બનાવ્યા અને શાદાબ ખાને 40 રન બનાવ્યા હતા. જેની સામે યુએસએ મોનક પટેલ 50, ગાઉન્સ 35, એરોન જોન્સ 36ની મદદથી મેચ ટાઈ કરી હતી. પહેલા રમતા અમેરિકાએ સુપર ઓવરમાં 18 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 13 રન બનાવી શકી અને 5 રનથી મેચ હારી ગઈ હતી. આઈસીસી ટી-20 વિશ્વકપમાં અમેરિકા અને ભારત સામેની પાકિસ્તાનની હારથી પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. હવે પાકિસ્તાનની ટીમ જ વિશ્વકપની બહાર થઈ જતા પાકિસ્તાની ક્રિકેટ પ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. તેમજ ટીમના કેપ્ટન બાબર આઝમ સહિતના ખેલાડીઓને પડતા મુકીને નવી મજબુત ટીમ ઉભી કરવા સુધીની માંગણી કરી રહ્યાં છે.