સેમિકન્ડક્ટર, સોલાર મોડ્યુલ અને ફાર્મા સેક્ટરમાં લગભગ 2 લાખ નવી નોકરીઓનું સર્જન થશે
નવી દિલ્હીઃ પ્રોડક્શન-લિંક્ડ ઇનિશિયેટિવ (PLI) સ્કીમ દ્વારા આગામી વર્ષોમાં ભારતમાં 3 થી 4 લાખ કરોડ રૂ. નું રોકાણ આવી શકે છે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને નિકાસ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 14 સેક્ટર માટે 1.97 લાખ કરોડ રૂપિયાની PLI સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ રોકાણ સેમિકન્ડક્ટર, સોલાર મોડ્યુલ અને ફાર્મા સેક્ટરમાં લગભગ 2 લાખ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે.
રેટિંગ એજન્સી ICRAનું કહેવું છે કે અર્થવ્યવસ્થામાં તેજી સાથે મધ્યમ ગાળામાં ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચમાં વધારો થશે. તેનું કારણ પીએલઆઈ જેવી યોજનાઓનું આગમન છે. ICRAનું કહેવું છે કે મજબૂત માંગ અને કંપનીઓ દ્વારા પુરવઠો વધારવાના પ્રયાસોને કારણે મેટલ, સ્પેશિયાલિટી કેમિકલ અને ઓટોમોટિવ સેક્ટરમાં વધારો થઈ શકે છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 14 ક્ષેત્રો માટે PLI યોજના શરૂ કરવામાં આવી છે. આમાં મોબાઈલ ઉત્પાદન અને વિશિષ્ટ ઈલેક્ટ્રોનિક ભાગો, API અને ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ, ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનો, ઈલેક્ટ્રોનિક/આઈટી ઉત્પાદનો, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સ અને અન્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
સરકારે કહ્યું કે PLIનો ઉદ્દેશ્ય મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ અને નવી ટેકનોલોજીને આકર્ષવાનો છે. ઉપરાંત, સ્થાનિક સ્તરે ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પીયૂષ ગોયલે પણ તેમના મંત્રાલયના અધિકારીઓને કહ્યું કે PLI અને મુક્ત વેપાર કરાર જેવી પહેલ લાવવી પડશે, જેથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપી શકાય.
PLI યોજનાએ ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગને મોટો ટેકો આપ્યો છે. એપલ આનું ઝળહળતું ઉદાહરણ છે. નાણાકીય વર્ષ 2024માં Apple દ્વારા $14 બિલિયનના iPhonesનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીના આંકડા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં લગભગ $2 બિલિયનના આઇફોનની નિકાસ કરવામાં આવી છે.