અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાનું આગમન થઈ ગયું છે. જોકે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન બાદ જોર ધીમી પડ્યુ હતું. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા છે. દરમિયાન આજે રવિવારે સવારે નવ તાલુકામાં વરસાદમા ઝાપટાં પડ્યા હતા. જેમાં પોરબંદર અને દેવભૂમી દ્વારકાના ભણાવડમાં બે ઈચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાણાવાવ, સુરતના માંગરોળ, કચ્છના ભરૂચ, વલસાડ, જુનાગઢના માણાવદર, જામનગરના જામજોધપુર, અને સુરતના કામરેજમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા.
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહેલ સર્જાયો છે, આકાશમાં વાદળો ગોરંભાયા છે. દરમિયાન આજે રવિવારે વહેલી સવારે દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ પોરબંદરમાં પણ સવારે બે ઈંચથી વધુ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત જૂનાગઢ, વલસાડ સહિતના વિસ્તારોમાં હળવા ઝાંપટા પડ્યા હતા. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 32 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં અઢી ઈંચ તેમજ ભાવનગરના ગારિયાધારમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત શનિવારે અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ આજે રવિવારે વહેલી સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં જ બે ઈંચ વરસાદ પડતા રોડ પર પાણી ભરાય ગયા હતા. ઉપરાંત પોરબંદરમાં પણ બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ ભચાઉ, વલસાડ, માણાવદર અને જામજોધપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં ખુશી જોવા મળી હતી. શનિવારે રાત્રિના જોરદાર વરસાદી ઝાપટું પડ્યા બાદ આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ધોધમાર વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડ્યો હતો. અને ખેતરોમાં પાણી ભરાયા હતા. કુતિયાણા તાલુકામાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યા હતા. કચ્છમાં મુન્દ્રા અને ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હળવા ઝાપટાં પડ્યા હતા.