દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 34 કરોડના ચરસના પેકેજ મળી આવ્યાં
અમદાવાદઃ ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે, આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ દ્વારકા નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસની તપાસ દરમિયાન રૂ. 34 કરોડના ચરસના પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે ચરસના પેકેજ જપ્ત કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ આ પેકેટ ક્યાંથી આવ્યાં હતા અને કોના માટે આવ્યાં તેને લઈને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસ તેજ બનાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકા નજીકના દરિયાકાંઠેથી 34 કરોડની કિંમતના ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ અંગે dysp સાગર રાઠોડે જણાવ્યું હતું કે આ જથ્થો પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રભાગા વિસ્તારમાંથી મળી આવ્યો છે. સતત આ રીતે મળતા જથ્થાને પગલે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ડ્રોનની મદદથી દરિયાઈ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે દ્વારકામાંથી ગત શુક્રવારે રૂ.16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિન વારસી હાલતમાં મળી આવ્યો હતો.
(Photo-File)