ભૂજમાં ભીડ ગેટ નજીક પેટ્રોલ પંપમાં ઘૂંસી જઈને બે શખસોએ છરીની અણિએ કરી 40 હજારની લૂંટ
ભૂજઃ શહેરના ભીડ ગેટ બહાર આવેલા પેટ્રોલપંપના કેશિયરની કેબિનમાં ઘૂંસીને બે શખસોએ છરી બતાવી રૂપિયા 40 હજારની લૂંટ ચલાવી હતી. કેશિયરને લૂંટી લીધા બાદ બન્ને શખસો ફરાર થઇ ગયાં હતા. લૂંટારૂ શખસો વરનોરા ગામના હોવાનું કહેવાય છે. લૂંટના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 65 વર્ષીય ફરીયાદી સાલેમામદ દાઉદ સમેજા છેલ્લા 45 વર્ષથી શહેરના ભીડ ગેટ બહાર મેમણ મુસાફર ખાના પાસે આવેલા આર એચ કે પેટ્રોલપંપમાં કેશિયર તરીકે નોકરી કરે છે. દરમિયાન ગત રાત્રિના 10.30 કલાકના અરસામાં તેઓ પેટ્રોલ પંપની ઓફિસમાં હિસાબનું કામ કરતા હતા. તે સમયે ભુજ તાલુકાના વરનોરા ગામના સીતારામ ચોકમાં રહેતા અલ્તાફ ઉર્ફે પંચર ઓસમાણ પટેલ અને રિયાઝ ભચુ મેમણ પંપ ઉપર આવ્યા હતા અને વાહનમાં પેટ્રોલ ભરવાનું કામ કરતા કર્મચારી પરવેઝ ઝુનેજા પાસે પહોંચી છરી બતાવી રૂ 5 હજારની માગ કરી હતી. કર્મચારીએ પૈસા ના હોવાનું કહેતા બન્ને આરોપી પેટ્રોલ પંપની કેશિયરની કેબિનમાં ઘૂંસીને કેશિયર પાસે રૂ 5 હજારની માગ કરી હતી દરમિયાન ફરિયાદીએ રૂપિયા આપવાની ના કહેતા રિયાઝ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગલ્લામાં પડેલા રૂ. 40 હજારની રકમનું બંડલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. જે સીસીટીવીમાં જોવા મળી રહ્યુ છે કે, આરોપીઓએ પેટ્રોલપંપ ઉપર 5 થી 10 મિનિટ સુધી બેખોફ પણે છરી બતાવી ભયનો માહોલ સર્જી દીધો હતો. આખરે છરીની અણીએ લૂંટ ચલાવી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. અસામાજીક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરે એવી માગ ઉઠી છે.