ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને T20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો, ચાર મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બન્યો
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા બોલર અને મેન્સ T20 વર્લ્ડ કપમાં એક જ સ્પેલમાં ચાર મેડન ઓવર ફેંકનાર પ્રથમ બોલર બની ગયા છે. સોમવારે, તેણે T20 વર્લ્ડ કપ 2024માં ન્યૂઝીલેન્ડની છેલ્લી ગ્રૂપ-સ્ટેજ મેચમાં પાપુઆ ન્યૂ ગિની સામે તેની 4 ઓવરમાં કોઈ રન આપ્યા વિના 3 વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની છેલ્લી મેચ પણ હતી, કારણ કે તેઓ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ બહાર થઈ ગયા હતા.
આ T20 વર્લ્ડકપમાં કોઈપણ બોલર તરફથી કરવામાં આવેલું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તો T20 આંતરરાષ્ટ્રીયમાં બીજીવાર છે જ્યારે કોઈ બોલરે સતત ચાર ઓવર મેડન ફેંકી છે. ફર્ગ્યુસન પહેલા કેનેડાના સાદ બિન ઝફરે આ કામ કર્યું હતું. તેણે ચાર ઓવરમાં એક પણ રન આપ્યા વગર બે વિકેટ લીધી હતી. કેનેડાનો સાદ બિન ઝફરે કુલિજ ખાતે 2021 T20 વર્લ્ડ કપ અમેરિકા ઝોન ક્વોલિફાયર મેચમાં પનામા સામે તેની 4 ઓવરમાં કોઈ રન આપ્યા વિના 2 વિકેટ લીધી હતી.
આ તરફ ન્યૂઝીલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિની(PNG) વચ્ચેની મેચની વાત કરીએ તો આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાપુઆ ન્યૂ ગિની (PNG)ની ટીમ 19.4 ઓવરમાં માત્ર 78 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. PNG તરફથી ચાર્લ્સ અમીનીએ સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે લોકી ફર્ગ્યુસને 4 ઓવરના સ્પેલમાં કોઈ રન આપ્યા વિના 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને ઈશ સોઢીએ 2-2 અને મિશેલ સેન્ટનેરે 1 વિકેટ લીધી હતી. 79 રનનાં લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમે 12.2 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 79 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવેએ 35 રન, કેપ્ટન કેન વિલિયમસને અણનમ 18 અને ડેરીલ મિશેલે અણનમ 19 રન નોંધાવ્યા હતા.