ખારાઘોડા-ઝીંઝુવાડાના રણમાં આ વર્ષે 18,46 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન, 152 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિત કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં મીઠું પકવવામાં આવે છે. અગરિયાઓ રાત-દિવસ કાળી મજુરી કરીને રોજગારી મેળવી રહ્યા છે. આ વર્ષે મીઠાંના ઉત્પાદનમાં રેકર્ડ સર્જાયો છે. પ્રથમવાર જ 18,46,346 મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન થયુ છે. દેશને મીઠાંની જરૂરિયાત પુરી પાડવામાં સુરેન્દ્રનગર જિલ્લો અગ્રેસર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા, પાટડી અને ઝીંઝુવાડાના રણ વિસ્તારોમાં મીઠાના ગંજ ખડકાયા છે. ખારાઘોડામાં આ વર્ષે પહેલી વખત જ 18,46,346 લાખ મેટ્રિક ટન મીઠાની વિક્રમજનક આવક નોંધાતા 150 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. જ્યારે જૂનો સ્ટોક 1.50 લાખ મેટ્રિક ટન પડ્યો છે. ભારતના કુલ મીઠા ઉત્પાદનનું ઉત્પાદનનું 70 ટકા મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35 ટકા મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોડા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડા રણમાં પાકે છે. ઉનાળાની અસહ્ય કાળઝાળ ગરમીમાં પણ અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવતા હોય છે. જો કે છેલ્લા વર્ષોથી જેસીબી સહિત યાંત્રિક વાહનોનો પણ અગરોના પાળા બનાવવા અને એમાં પાણી ભરવા માટે ઉપયોગ કરાતો હોવાને લીધે મીઠાંનુ ઉત્પાદન વધી રહ્યું છે.
ખારાઘોડામા આઝાદી પહેલા સને 1872થી બ્રિટિશ હુકુમત સમયે અંગ્રેજોએ રણમાં મીઠું પકવવાની શરૂઆત કરી હતા. અને એમના સંરક્ષણનો ત્રીજા ભાગનું બજેટ તો એકમાત્ર મીઠાના ટેક્ષમાંથી ભેગું કરવામાં આવતું હતું. જિલ્લાના ખારાઘોડામાં આ વર્ષે અત્યાર સુધીમાં 18 લાખથી વધુ મેટ્રીક ટન મીઠાનું વિક્રમજનક આવક નોંધાઇ છે. સામાન્ય રીતે ખારાઘોડા ઝીંઝુવાડા રણમાં દર વર્ષે સામાન્યત: 10થી 12 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. પણ આ વર્ષે મીઠા ઉદ્યોગમાં બમ્પર ઉત્પાદન એટલે કે 18,46,346 મે.ટન આવક નોંધાઈ છે. હવે આખુ વર્ષ આ મીઠું ગુજરાતભરમાં અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના ભારતના તમામ રાજ્યોમાં અને છેક નેપાળ સુધી ટ્રકો દ્વારા અને માલગાડીઓ દ્વારા નિકાસ કરવામાં આવશે.