પાકિસ્તાને UN માં ફરી આલોપ્યો કાશ્મીર રાગ, ભારતે આંતકવાદ અને લઘુમતી મામલે પાકિસ્તાનને આડેહાથ લીધુ
નવી દિલ્હીઃ દેવાની જાળમાં ફસાયેલ અને ચીનના ઈશારે કામ કરીને પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યું છે. જો કે, તેને ભારતીય અધિકારીઓના સ્પષ્ટ જવાબોને કારણે વિવિધ મંચ ઉપર નીચે જોવાનો વારો આવે છે. હવે ફરી જ્યારે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની પ્રથમ સચિવ અનુપમા સિંહ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં તૈનાત છે. તેઓ યુએનમાં ભારત વિરોધી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે. અનુપમા યુએનમાં દેશની ઢાલ બને છે અને ભારતના દુશ્મનોને જડબાતોડ જવાબ આપે છે.
ભારતીય વિદેશ વિભાગના અનુપમા સિંહે પાકિસ્તાનને ઠપકો આપ્યો અને તેના બે ચહેરાવાળા ચરિત્ર અને ચહેરાને દુનિયા સમક્ષ ઉજાગર કર્યો હતો. અનુપમા સિંહે પાકિસ્તાનમાં લઘુમતીઓ ઉપર થતા અત્યાચાર અને આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એક સભ્યએ ફરી આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવવા માટે કર્યો છે. ભારતની ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરના લોકોની ભાગીદારી એ જ જવાબ છે. તેમણે પાકિસ્તાનને ઠપકો આપતા કહ્યું કે, આ દેશનું કામ આતંકવાદની નિકાસ કરવાનું છે. અહીં અલ્પસંખ્યકોની સાથે સાથે અનેક મુસ્લિમો પર પણ અત્યાચાર થાય છે. પાકિસ્તાને ઘરઆંગણે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનને યુએનમાં હારનો સામનો કરવો પડ્યો હોય. ફેબ્રુઆરીમાં પણ ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ત્યારબાદ ભારતે તુર્કીને જાણ કરી હતી કારણ કે તુર્કીએ પણ કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે કહ્યું હતું કે, તેને અમારી આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો અધિકાર નથી.
જૂનની શરૂઆતમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ચીનની મુલાકાત લીધી હતી, ત્યારબાદ બંને દેશોએ કાશ્મીરને લઈને સંયુક્ત નિવેદન આપ્યું હતું. ભારતે તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં, ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં પાકિસ્તાનના ઉપ-સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ઉસ્માન જાદુએ પણ કાશ્મીર મુદ્દા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે યુદ્ધ વિસ્તારોમાંથી ગુમ થયેલા લોકોના મુદ્દા પર વાત કરવા માટે બેઠક બોલાવવાનું સ્વાગત કરીએ છીએ. પાકિસ્તાન વારંવાર ગુમ થયેલા લોકોનો મુદ્દો ઉઠાવે છે. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે, ઓગસ્ટ 2019થી ભારતીય સેનાએ કાશ્મીરમાં 13,000 છોકરાઓને ગુમ કર્યા છે, પરંતુ તેમ છતાં દુનિયા આના પર મૌન છે, આ બાબતો પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. આ અંગે ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.