1. Home
  2. ગુજરાતી
  3. UGC-NET પેપર પરીક્ષા પહેલા ડાર્કનેટ પર અલપોડ થયું હતું, CBIની તપાસમાં ઘટસ્ફોટ
UGC-NET પેપર પરીક્ષા પહેલા ડાર્કનેટ પર અલપોડ થયું હતું, CBIની તપાસમાં ઘટસ્ફોટ

UGC-NET પેપર પરીક્ષા પહેલા ડાર્કનેટ પર અલપોડ થયું હતું, CBIની તપાસમાં ઘટસ્ફોટ

0
Social Share

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. આને લઈને ઘણો વિવાદ થયો છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી, ત્યારબાદ પેપર રદ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોટી માહિતી મળી છે. CBIએ તેની તપાસ બાદ કહ્યું છે કે, UGC-NET પેપર લીક થયું હતું. પરીક્ષા પહેલા ડાર્કનેટ પર પેપર અપલોડ કરવામાં આવ્યું હતું.

પેપર રદ કર્યા બાદ સરકારે CBIને તપાસની જવાબદારી સોંપી છે. તપાસ દરમિયાન CBI એ શોધી રહી છે કે, UGC NET પરીક્ષાનું પેપર ક્યાંથી લીક થયું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પ્રશ્નપત્ર સોમવાર (17 જૂન) ના રોજ લીક થયું હતું, ત્યારબાદ તેને એનક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. પકડાઈ ન જાય તે માટે આરોપીઓએ લીક થયેલું પ્રશ્નપત્ર ડાર્કનેટ પર પોસ્ટ કર્યું હતું. સીબીઆઈ કેસ સંબંધિત વિગતો એકત્રિત કરવા માટે એનટીએ અને અન્ય એજન્સીઓના સતત સંપર્કમાં છે.

શિક્ષણ મંત્રાલયે બુધવારે NTA દ્વારા આયોજિત UGC-NET પરીક્ષાને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની તપાસ તાત્કાલિક સીબીઆઈને સોંપવામાં આવી હતી. મંત્રાલયને માહિતી મળી હતી કે, પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને ઉતાવળમાં રદ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓએ એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે (18 જૂન) પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શિક્ષણ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે UGC-NET પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ માટે તારીખો અને અન્ય મહત્વની બાબતો અલગથી જાહેર કરવામાં આવશે. UGC-NET પરીક્ષા દ્વારા, જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પીએચડીમાં પ્રવેશ માટે ભારતીયોની પાત્રતા નક્કી કરવામાં આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે છે.

UGC-NET રદ્દ થયા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે, NEET પેપર લીક અને UGC-NETના સંબંધમાં NTA અધિકારીઓ સહિત દોષિત કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર હવે NTAની કામગીરીની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. તેમજ કહ્યું કે, સરકાર કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષાઓ યોજવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, UGC-NET રદ કરવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. અમને પુરાવા મળ્યા કે, પ્રશ્નપત્ર ડાર્કનેટ પર લીક થયું હતું. તેને ટેલિગ્રામ પર પણ શેર કરવામાં આવ્યું હતું. આ પછી જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code