T20 વર્લ્ડકપ: દક્ષિણ આફ્રિકાએ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું, વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાયું
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8ની પ્રથમ મેચ 24 જૂને વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ જીત નોંધાવી હતી. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
ICC T-20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 મેચની 10મી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે સાઉથ આફ્રિકાને 136 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, વરસાદને કારણે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ત્રણ ઓવર ઘટાડવામાં આવી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાને 17 ઓવરમાં 123 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 16.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી કરી લીધો હતો. આ જીત સાથે જ સાઉથ આફ્રિકા સુપર-8ના ગ્રૂપ-2માં ટોપર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે.
અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડમાં જ ભારે અપસેટ જોવા મળ્યો હતો. લીગ રાઉન્ડમાં જ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમો બહાર થઈ ગઈ હતી. જ્યારે અમેરિકાએ અપસેટ સર્જીને સુપર એઈટમાં પ્રવેશ કર્યો હતો. હવે સુપર એઈટમાં પણ જોરદાર અપસેટ જોવા મળ્યો છે. આ વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝને પણ દાવેદાર ટીમ માનવામાં આવતી હતી. જો કે, આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ બહાર ફેંકાઈ ગયું છે.