1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લાના 18 ગામોમાં ટેન્કરોથી પહોંચાડાતું પાણી, 5 ઈંચ વરસાદ બાદ ટેન્કર બંધ કરાશે
રાજકોટ જિલ્લાના 18 ગામોમાં ટેન્કરોથી પહોંચાડાતું પાણી, 5 ઈંચ વરસાદ બાદ ટેન્કર બંધ કરાશે

રાજકોટ જિલ્લાના 18 ગામોમાં ટેન્કરોથી પહોંચાડાતું પાણી, 5 ઈંચ વરસાદ બાદ ટેન્કર બંધ કરાશે

0
Social Share

રાજકોટઃ રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામતો જાય છે. પરંતુ હજુ પુરતો વરસાદ ન પડવાથી રાજકોટ જિલ્લાના 18 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઈંચ જેટલો વરસાદ પડે તો જ પાણીની સમસ્યા હલ થઈ શકે તેમ છે. દરમિયાન પાણી પુરવઠાના અધિકારીઓએ પણ પુરતો વરસાદ પડે ત્યાં સુધી પાણીના ટેન્કરો દોડાવવાની ગ્રામજનોને હૈયાધારણ આપી છે.

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત એપ્રિલ મહિનાના મધ્યથી ટેન્કરોના ફેરા દ્વારા પાણી વિતરણ થઇ રહ્યું છે અને ચોમાસાની સિઝન શરૂ થઇ ગયા બાદ પણ હજુ 18 ગામમાં પાણી વિતરણ માટે ટેન્કરના ફેરા ચાલુ છે, ત્યારે પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ આ ટેન્કરના ફેરા બંધ કરાશે. તેમ પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કોટડાસાંગાણીના જૂના રાજપીપળા, નવી ખોખરી, અનિડા વાછરા, નવા રાજપીપળા, વીંછિયાના અજમેર, ઢેઢુકી, રાજકોટના હિરાસર, અમરગઢ ભીચરી, રામપરા-બેટી, સૂકી સાજડિયાળી, મહિકા, ગવરીદળ, ખોખડદળ, વીરડા-વાજડી, કાંગશિયાળી, કણકોટ, ધોરાજીના મોટી પરબડી, ભૂખી, વેગડી અને જસદણના દેવપરા ગામે 5000 લિટર ટેન્કરના 105 અને 10000 લિટર ટેન્કરના દૈનિક 31 ફેરા મારફત પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રવિવારે ફરી પધરામણી કરતાં રાજકોટ સિંચાઇ વર્તુળ હસ્તકના 83 ડેમમાંથી 13 ડેમમાં નવાં નીરની આવક થઇ હતી. સોમવારે સવાર સુધીમાં આજી-1માં 0.10, ન્યારી-2માં 0.66, ફોફળમાં 0.10, મચ્છુ-2માં 0.69, બ્રાહ્મણી-2માં 0.16, વઢવાણ ભોગાવો-2માં 0.20 અને લીંબડી ભોગાવોમાં 0.20 ફૂટ નવાં નીરની આવક થઇ હતી. વર્તુ-1માં 325, સોનમતીમાં 272.58, કબરકામાં 240, ઊંડમાં 196, સસોઇમાં 29.58, મચ્છુ-2માં 304, બ્રાહ્મણીમાં 580, ધોળીધજામાં 1675 અને લીંબડી ભોગાવોમાં 39 ક્યુસેક નવા પાણીની આવક થઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code