સરકારે રૂ. 96,238 કરોડના ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરી
કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, ટેલિકોમ સેવાઓ માટે રૂ. 96,238.45 કરોડના સ્પેક્ટ્રમની હરાજી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય સંચાર મંત્રાલયે કહ્યું હતું કે, વિવિધ બેન્ડમાં 10,522.35 MHz સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. તેની અનામત કિંમત 96,238.45 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
આ હરાજીમાં, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 MHz, 3300 MHz અને 26 GHz બેન્ડ માટે બિડ મૂકવામાં આવશે. આ હરાજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ હરાજીની પ્રક્રિયામાં ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમ ભાગ લેશે. 1800 MHz બેન્ડની રિઝર્વ પ્રાઈસ 21,752.40 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તે જ સમયે, 800 MHz બેન્ડની રિઝર્વ કિંમત 21,341.25 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.
મંત્રાલયે કહ્યું હતું કે, આ તમામ નાગરિકોને વાજબી દરે સારી ગુણવત્તાયુક્ત ટેલિકોમ સેવાઓ પ્રદાન કરવાની સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ દ્વારા 8 માર્ચે સ્પેક્ટ્રમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
સ્પેક્ટ્રમ 20 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે. બિડ જીતનાર કંપનીઓએ તેને આગામી 20 વર્ષમાં 20 હપ્તામાં ચૂકવવાની રહેશે. જોકે, આ સમયગાળા દરમિયાન કંપનીઓએ NPV પર 8.65 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
મંત્રાલયે કહ્યું હતું કે, કંપની આ હરાજીમાં ખરીદેલ સ્પેક્ટ્રમને ઓછામાં ઓછા 10 વર્ષ પછી સરેન્ડર કરી શકે છે. ઉપરાંત, કંપનીઓ પાસેથી કોઈ સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ (SUC) લેવામાં આવશે નહીં.