રાહુલ ગાંધીએ ઈન્ડી ગઠબંધનના સાંસદો સાથે ચા ઉપર ચર્ચા કરી
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ઈન્ડિ ગઠબંધનના સાંસદો સાથે ચા સાથે ચર્ચા કરતા જોવા મળ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે અયોધ્યાના સમાજવાદીના સાંસદ અવધેશ પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ચા ઉપર ચર્ચાની એક તસ્વીર સામે આવી છે, જેમાં અવધેશ પ્રસાદ અને રાહુલ ગાંધી હસતા-હસતા વાતો કરતા જોવા મળે છે, આ ફોટોગ્રાફમાં અન્ય પક્ષના નેતાઓ પણ જોવા મળે છે.
નીટ પેપર લીક મામલે લોકસભામાં વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. જેથી સ્પીકરે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત રાખી હતી. દરમિયાન ઈન્ડિ ગઠબંધનના સાંસદો અને રાહુલ ગાંધીની ચા ઉપર ચર્ચાનો ફોટોગ્રાફ સામે આવ્યો છે. જેથી એવી ચર્ચા થઈ રહી છે કે, રાહુલ ગાંધી અને સાંસદો ક્યાં મુદ્દા ઉપર ચર્ચા કરતા હતા. રાહુલ ગાંધી જે રીતે અયોધ્યાના સાંસદ સાથે વાત કરતા જોવા મળી છે, તેને જોઈને એવુ લાગે છે કે અયોધ્યા મામલે જ ચર્ચા થઈ હશે. તેમજ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સાંસદો નીટ મુદ્દે સોમવારે સદનની કાર્યવાહીમાં ચર્ચાની રણનીતિ બનાવી રહ્યાં છે.
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે, નીટ પેપર લીક મામલો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તેમણે સંસદમાં વિપક્ષ અને સરકાર તરફથી નીટ પેપર લીક મુદ્દે ચર્ચાની માંગણી કરી છે. બીજી તરફ સ્પીકરે જણાવ્યું હતું કે, નીટ ઉપર ચર્ચા કરવા માટે સમય આપવામાં આવશે. જો કે, વિપક્ષના સાંસદોએ તેમની વાત સાંભળવાનો ઈન્કાર કરીને હંગામો મચાવ્યો હતો. જેથી સંસદની કાર્યવાહી સોમવાર સુધી મુલત્વી રાખવામાં આવી હતી.