સુરતઃ શહેરમાં એત ટ્રાવેલ્સ એજન્સી દ્વારા રેલવેની ટિકિટ સોફ્ટવેરની મદદથી કન્ફર્મ કરાવવાનું કૌભાંડ રેલવેના વિજિલન્સએ પકડી પાડ્યુ છે. શહેરના એક ટ્રાવેલ્સ એજન્ટને ત્યાં વિજિલન્સે દરોડા પાડ્યા હતા. જ્યાં સોફ્ટવેરની મદદથી IRCTCની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો. વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પાડેલા દરોડા વેળા એજન્ટના ઘરેથી 973 બોગસ આઈડી, પાંચ લેપટોપ અને 5 હાઈસ્પીડ રાઉટર મળી આવ્યા હતા. આ સાથે જ નેક્સસ અને ગડર નામના બે સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયાની કિંમતની ઈ-ટિકિટ બુક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ વિજિલન્સ વિભાગમાં ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજયકુમાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સિટીલાઈન સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહેતા એજન્ટે સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિલિજન્સની એક ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી સિટીલાઈટ સ્થિત એક એપાર્ટમેન્ટમાં રહેતા એજન્ટના નિવાસસ્થાને દરોડા પાડયા હતા. આ સમયે તેઓ બેડમાં એકસાથે પાંચ લેપટોપ ઓપરેટ કરી ટ્રેનની ઈ-ટિકિટ બુકિંગ કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગડર અને નેક્સશ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં તેમના સોફ્ટવેરમાંથી 4.50 કરોડ રૂપિયાના મૂલ્યની ઈ-ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ફોજદારી ગુનો નોંધાવાતા પોલીસે એજન્ટ સહિત બે શખસોની ધરપકડ કરી હતી.