લદ્દાખની દૂર્ઘટના અંગે રાજનાથ સિંહ સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક યુદ્ધ અભ્યાસ દરમિયાન એક JCO સહિત 5 સેનાના જવાનો શહીદ થયા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, દેશ માટે આપણા બહાદુર સૈનિકોની અનુકરણીય સેવાને આપણે ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.આ દુખની ઘડીમાં આખો દેશ તેમની સાથે છે. આ ઘટના પર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, એ જાણીને ખૂબ જ દુઃખ થયું કે પાંચ સૈનિકો અચાનક પૂરમાં તણાયા હતાં. આપણે આપણા બહાદુર સૈનિકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરવી જોઈએ.
તો બીજી બાજુ કોંગ્રેસે પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે લદ્દાખની ઘટના પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, લદ્દાખમાં નદી પાર કરતી વખતે JCO સહિત પાંચ ભારતીય સૈનિકોના જીવ ગુમાવવાથી ખૂબ જ દુઃખ થયું છે. આ દુ:ખદ દુર્ઘટનાનો ભોગ બનેલા લશ્કરી જવાનોના પરિવારો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના છે. દુઃખની આ ઘડીમાં સમગ્ર દેશ આપણા બહાદુર સૈનિકોની સાથે છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે,ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના.આ સર્વોચ્ચ બલિદાન માટે દેશ હંમેશા આપણા બહાદુર સૈનિકો અને તેમના પરિવારોનો ઋણી રહેશે.