પેપર લીક જેવી ઘટનામાં યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારઓને આકરી સજા થશેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં, મણિપુરની સ્થિતિ, NEET પેપર લીક જેવા મુદ્દાઓ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે કામ અમે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તે જો કરવું હોત તો કોંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત. ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે 10 વર્ષથી સતત પ્રયાસો થઈ રહ્યા છે. અટક્યા વિના અને થાક્યા વિના પ્રયત્નો કર્યા છે. દેશમાં તેની ચર્ચા ઓછી થઈ છે, પરંતુ પરિણામ વ્યાપક જોવા મળ્યું છે. પેપર લીક પર તેમણે કહ્યું કે, અમે ઈચ્છતા હતા કે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ, પરંતુ વિપક્ષને તેની આદત છે. હું ભારતના યુવાનોને આશ્વાસન આપું છું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેંડા કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યો વચ્ચે સરહદી વિવાદો સંઘર્ષને જન્મ આપી રહ્યા છે અને આ આઝાદી પછીથી ચાલુ છે. અમે રાજ્યો સાથે મળીને આનો ઉકેલ લાવી રહ્યા છીએ. ઉત્તરપૂર્વ માટે આ એક મહાન સેવા છે. હિંસા સાથે સંકળાયેલી સંસ્થાઓ, જે લડાઈ કરતી સશસ્ત્ર ગેંગ હતી, આજે તેમની સાથે કાયમી કરાર થઈ રહ્યાં છે.
પીએમ મોદીએ કહ્યું કે, સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ત્યાં બનેલી ઘટનાઓને કારણે 11 હજારથી વધુ FIR દાખલ કરવામાં આવી છે, 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, મણિપુરમાં હિંસાની ઘટનાઓ સતત ઘટી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે મણિપુરમાં પણ શાળા-કોલેજ સંસ્થાઓ ખુલી છે. જેમ દેશમાં પરીક્ષાઓ હતી, ત્યાં પણ પરીક્ષાઓ હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક સાથે વાત કરીને સૌહાર્દનો માર્ગ ખોલવાનો પ્રયાસ કરી રહી છે. નાના જૂથો સાથે વાતચીત થઈ રહી છે. ગૃહમંત્રી ત્યાં ગયા અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા હતા. અધિકારીઓ પણ સતત જઈ રહ્યા છે. સમસ્યાના નિરાકરણ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, હું એવા તમામ તત્વોને ચેતવવા માંગુ છું જેઓ મણિપુરની આગમાં ઘી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ આ ગતિવિધિઓ બંધ કરે. એક સમય એવો આવશે જ્યારે મણિપુર પોતે જ તે લોકોને નકારી દેશે. જેઓ મણિપુરને અને મણિપુરના ઈતિહાસને જાણે છે તેઓ જાણે છે કે, ત્યાં સામાજિક સંઘર્ષનો લાંબો ઈતિહાસ રહ્યો છે. આ સંઘર્ષની માનસિકતાના મૂળ ખૂબ ઊંડા છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના લોકોએ એ ન ભૂલવું જોઈએ કે આ સંજોગોને કારણે આ નાના રાજ્યમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. અમારા કાર્યકાળ દરમિયાન આવું બન્યું નથી. આપણે પરિસ્થિતિને સમજદારીથી સુધારવાનો પ્રયાસ કરવો પડશે. આમાં જે પણ સહકાર આપવા માંગે છે તેનો અમે સહયોગ લઈશું, અમે તમામનું સમર્થન સ્વિકારવા તૈયાર છીએ, અમે સામાન્ય સ્થિતિ જાળવવા અને શાંતિ લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. પેપર લીક મુદ્દે વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે ઈચ્છતા હતા કે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ, પરંતુ વિપક્ષને તેની આદત છે. હું ભારતના યુવાનોને આશ્વાસન આપું છું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.