નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. મુશળધાર વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થઈ રહ્યું. ભૂસ્ખલનના કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. રાજ્યમાં 115 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલનને કારણે પરિવહન નિગમની બસો ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત 212 ટ્રાન્સફોર્મર ફેલ થતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
- શિમલા-બિલાસપુર નેશનલ હાઈવે ખોરવાયો
શિમલા શહેરમાં રાતોરાત ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને વૃક્ષો પડવાનું જોખમ વધી ગયું છે. આ દરમિયાન હાઈવે પર પસાર થતા વાહનો પહાડોના કાટમાળની અડફેટે આવતા બચી ગયા હતા. બાદમાં સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને ભૂસ્ખલનના કારણે શિમલા-બિલાસપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. JCB મશીનની મદદથી કાટમાળ હટાવીને હાઈવેને એક તરફ પૂર્વવત કરાવાયો હતો. આ દરમિયાન હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
- રાજ્યભરમાં ભૂસ્ખલનથી 115 રસ્તાઓ બ્લોક થઈ ગયા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, રાજ્યભરમાં ભૂસ્ખલનથી 115 રસ્તાઓ અવરોધિત છે. મંડી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે, જ્યાં 107 રસ્તાઓ બ્લોક છે. ચંબામાં 4 રસ્તા બંધ છે, સોલનમાં 3 અને કાંગડામાં એક રસ્તો બંધ કરાયો છે. મંડી જિલ્લાના સિરાજ સબ-ડિવિઝનમાં 39, કારસોગમાં 28, થલાઉટમાં 22, સુંદરનગરમાં નવ, નેરચોકમાં પાંચ અને મંડી સબ-ડિવિઝનમાં 2 રસ્તાઓ ભૂસ્ખલનના કારણે અવરોધિત છે. બાંધકામ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ભૂસ્ખલનનો કાટમાળ હટાવવાના પ્રયાસો ચાલુ છે અને મોટાભાગના રસ્તાઓ પર વાહનવ્યવહાર જલ્દી પુનઃસ્થાપિત થઈ જશે.
સાથે જ ભારે વરસાદના કારણે 212 ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે. મંડી જિલ્લામાં 147 ટ્રાન્સફોર્મર, કુલ્લુમાં 42, ચંબામાં 16 અને સોલનમાં સાત ટ્રાન્સફોર્મર બંધ થવાને કારણે અંધારપટ છવાયો હતો. વ્યાપક વરસાદને કારણે થિયોગ સબ-ડિવિઝનમાં 10 અને શિમલા જિલ્લાના કુમારસેનમાં 7 પીવાના પાણીની યોજનાઓ પણ અટકી ગઈ હતી.
હવામાન વિભાગના અહેવાલ મુજબ મંડી જિલ્લાના સુંદરનગરમાં સૌથી વધુ સાડા 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સિવાય પાલમપુરમાં 4 ઈંચ, બાગી અને શિમલામાં અને ગોહરમાં પોણા 4, સોલન, જોગીન્દરનગર અને બૈજનાથમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કિન્નુરના રેકોંગ પીઓમાં 53 કિલોમીટર પ્રતિ કલાક અને તાબોમાં 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે
- સક્રિય ચોમાસાના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે
સિમલાના હવામાન કેન્દ્રના નિર્દેશક સુરેન્દ્ર પોલે જણાવ્યું હતું કે ચોમાસાની ગતિવિધિને કારણે સમગ્ર રાજ્યમાં વાદળો વરસી રહ્યા છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. 5 જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને 6 અને 7 જુલાઈએ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 8થી 10 જુલાઈ સુધી વીજળી અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.